Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

વડોદરામાં કોરોનાના 2 કેસ પોઝીટીવ આવતા શહેરીજનોમાં ભારે ગભરાટઃ શોપિંગ મોલ-જન સેવા કેન્‍દ્રો બંધઃ સરકારી - અર્ધ સરકારી કચેરીઓ ખાલી

વડોદરા: વડોદરામાં કોરોના વાયરસનાં બે કેસ પોઝીટીવ આવતા શહેરી જનોમાં ભારે ગભરાટ ફેલાઇ ચુક્યો છે. વડોદરામાં કોરોના વાયરસનો કેસ પોઝીટીવ આવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા શહેરોમાં સન્નાટો છવાઇ ગયો હતો. માર્ગો પર જનતા કરફ્યું જેવો માહોલ સર્જાયો હતો. લોકોએ બિનજરૂરી ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઇએ. કોરોના વાયરસના બે કેસ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત શોપિંગ મોલ, જન સેવા કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારી-અર્ધસરકારી કચેરીઓ ખાલી જોવા મળી રહી છે.

વડોદરામાં કોરોના વાયરસનાં બે કેસ પોઝીટીવ આવ્યા બાદ તંત્ર દ્વારા લેવાયેલા કડક પગલાઓને કારણે શહેરનાં ઘંધા રોજગાર પર માઠી અસર પડી હતી. જો કે હાલ જે પ્રકારની સ્થિતી દેશ પર આવી પડી છે તેવી સ્થિતીમાં લોકો શક્ય તેટલા ઘરમાં જ રહે તે હિતાવહ છે. મોટા ભાગના લોકોએ ઓફીસમાં કામ પણ ઘરે બેઠા જ કર્યા હતા. આ ઉપરાંત બિલની ચુકવણી સહિતની કામગીરી પણ ઓનલાઇન જ કરવાનો આગ્રહ રાખ્યો હતો. આ ઉપરાંત લોકો હાલ સામાજિક પ્રસંગોમાં જવાનું પણ ટાળી રહ્યા છે.

(5:12 pm IST)