Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં દૂધનો સ્ટોક ખલાસ, લોકો ૧૦-૧૦ થેલીઓ ઘરે લઈ ગયા

માત્ર દૂધ જ નહીં, પરંતુ લોકોએ દૂધના પાવડરનો પણ ઘરોમાં સ્ટોક કરી લીધો છે

અમદાવાદ, તા.૨૧: કોરોનાના ડરને કારણે લોકોને લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે ત્યારે 'પેનિક બાયિંગ' અટકવાનું નામ નથી લઈ રહ્યું. આવતીકાલે જનતા કર્ફ્યુ છે તે પહેલા આજે પણ લોકો ઘરમાં જીવનજરુરી ચીજવસ્તુઓનો સ્ટોક કરી લેવા દોડાદોડી કરી રહ્યા છે. જેના કારણે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આજે સવારે દૂધનો સ્ટોક ખલાસ થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, પશ્યિમ અમદાવાદના કેટલાક વિસ્તારો ઉપરાંત પૂર્વમાં પણ કેટલીક જગ્યાએ આજે સવારે લોકોએ જરુર કરતાં વધારે દૂધની ખરીદી કરી લેતા તેનો સ્ટોક કલાકોમાં જ ખતમ થઈ ગયો હતો. જેના કારણે અનેક લોકોને દૂધ નહોતું મળી શકયું. દુકાનદારોનું માનીએ તો, જે લોકો પહેલા રોજની ૪-૫ થેલી દૂધ લેતા હતા તેમણે આજે ૧૦-૧૦ થેલીઓ ખરીદી લેતાં દૂધનો સ્ટોક પૂરો થઈ ગયો હતો.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે માત્ર દૂધ જ નહીં, પરંતુ લોકોએ દૂધના પાવડરનો પણ ઘરોમાં સ્ટોક કરી લીધો છે. કારણકે, દૂધને ફ્રીજમાં રાખીને પણ બે દિવસથી વધારે સાચવવું અશકય છે, તેવામાં જેમના ઘરે નાના બાળકો છે તેમણે દૂધનો પાવડર ખરીદીને પણ દૂધની કોઈ તકલીફ ન પડે તેની વ્યવસ્થા કરી લીધી છે. દૂધનો સપ્લાય બંધ નહીં થાય તેવી ખાતરી અપાઈ હોવા છતાં લોકો તેનું પેનિક બાયિંગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમૂલ દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યું હતું કે તેણે દૂધનું પ્રોડકશન વધારી દીધું છે, અને કોરોના વાયરસની સ્થિતિમાં પણ ગુજરાતના કોઈ ખૂણામાં દૂધની તંગી નહીં પડવા દેવાય. અમૂલના ચિલિંગ સેન્ટર બંધ રહેવાના છે તેવી પણ કોઈએ અફવા ફેલાવી હતી, જેના પર ખુલાસો આપતા અમૂલ દ્વારા આ સ્પષ્ટતા કરાઈ હતી.

એક તરફ તંત્ર દ્વારા લોકોને પેનિક બાયિંગથી દૂર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદના કેટલાક સ્ટોર્સમાં છેલ્લા બે દિવસમાં કરિયાણું પણ ખતમ થઈ ગયું છે. સરકારના આશ્વાસન છતાં પબ્લિક લોકડાઉનના ભયે પેનિક બાયિંગથી દૂર રહેવા તૈયાર નથી.

(4:18 pm IST)