Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

વેકેશન લંબાવવુ કે નહિ ? પરીક્ષા અંગે શું કરવું તેનો નિર્ણય આવતા અઠવાડીએ : ભૂપેન્દ્રસિંહ

કોરોનાની સ્થિતિ સંદર્ભે શિક્ષણ મંત્રી રાજકોટ દોડી આવ્યા : રાઇટ ટુ એજ્યુકેશનના પ્રવેશની કામગીરી સમયસર શરૂ થઇ જશે : ઉતરપોથીના પ્રકરણની પણ ચર્ચા

રાજકોટ તા. ૨૧ : રાજ્યમાં કોરોના વાયરસની ઘેરી અસર દેખાતા રાજ્ય સરકારે ૪ દિવસ પહેલા જ તમામ શાળા - કોલેજો અને યુનિવર્સિટીઓમાં તા. ૨૯ માર્ચ સુધી રજા જાહેર કરી દીધી છે. બોર્ડની પરીક્ષાઓ પૂરી થઇ ગઇ છે પરંતુ બાકીની મોટાભાગની પરીક્ષાઓ બાકી છે. હવે બાકી અભ્યાસક્રમ અને પરીક્ષા બાબતે શું થશે ? તે બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઉચાટ છે. રાજ્ય સરકારે પણ આ બાબતે કોઇ નિર્ણય કર્યો નથી. ગુજરાતના શિક્ષણ જગત માટે આવતા અઠવાડીએ મહત્વનો નિર્ણય થશે.

આજે કોરોનાની સમીક્ષા તેમજ રસ્તે રઝડતી મળી આવેલ બોર્ડની ઉત્તરપોથીઓના પ્રકરણની ચર્ચા માટે પ્રભારી મંત્રી તરીકે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટ દોડી આવ્યા છે. તેમણે વેકેશન, પરીક્ષાઓ અને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળના પ્રવેશ બાબતે અકિલા સાથે વાતચીત કરી હતી. સંચાલકો - વાલી સંગઠનોએ શાળા કક્ષાની પરીક્ષા લેવાના બદલે વિદ્યાર્થીઓને સીધા જ આગળના ધોરણમાં મોકલવા માંગણી કરી છે.

શિક્ષણ મંત્રીએ આ અંગેના સવાલના જવાબમાં અકિલાને જણાવેલ કે, વેકેશન લંબાવવું કે કેમ? તેમજ પરીક્ષા લેવી કે નહિ અને લેવી તો કયારે લેવી ? તે બાબતે આવતા અઠવાડીએ પરિસ્થિતિની સમીક્ષા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હાલ જો અને તો આધારીત સ્થિતિ છે. આરટીઇ હેઠળની પ્રવેશ કામગીરી સમયસર શરૂ થઇ જશે.

(11:48 am IST)