Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

આત્મવિશ્વાસ, ઇશ્વર પ્રતિ શ્રદ્ધા સફળતાનું સાચુ રહસ્યઃ કોહલી

મહિલાઓમાં પ્રેરણા આપવાનું સામર્થ્ય છે : ચુડાસમાઃ દિવ્યાંગ ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કરાયા અરુણિમા સિંહાના પુસ્તક વિશ્વાસનું એવરેસ્ટનું લોકાર્પણ

અમદાવાદ,તા.૨૧: વિશ્વની સૌ પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાના આત્મકથાનક પુસ્તક વિશ્વાસનું એવરેસ્ટનું રાજ્યપાલ ઓપી કોહલીએ રાજભવન, ગાંધીનગર ખાતે લોકાર્પણ કર્યું હતું. વર્ષ-૨૦૧૧માં દુર્ઘટનામાં સુશ્રી અરુણિમા સિન્હાએ પોતાનો એક પગ ગુમાવ્યો હતો. ત્યાર બાદ કૃત્રિમ પગની મદદથી વર્ષ-૨૦૧૩માં તેમણે એવરેસ્ટ સર કર્યો હતો. એટલું જ નહીં વિશ્વના સૌથી ઉંચા શિખરો પૈકીના છ શિખરો પણ સર કરી લીધા છે. રાજ્યપાલ ઓપી કોહલી પદ્મશ્રી અરુણિમા સિન્હાને અસાધારણ સંકલ્પશક્તિનું જીવંત-મૂતિમંત પ્રતિક ગણાવતાં કહ્યું હતું કે, આપણી સામે શારીરિક અક્ષમતા ધરાવતી મહિલાઓએ પોતાના અડગ મનોબળથી અપાર યોગ્યતા હાંસલ કરીને ઇતિહાસમાં પોતાના નામ અમર કર્યા હોય એવા હેલન કેલર જેવા ધણા ઉદાહરણો છે. અરુણિમા સિન્હાએ પણ અતુલ્ય સાહસ અને બુલંદ આત્મવિશ્વાસથી આવી મહિલાઓની યાદીમાં પોતાનું નામ આલેખાવ્યું છે. સ્વામી વિવેકાનંદજીના વિચારોને ટાંકતા રાજ્યપાલ ઓ પી કોહલીએ કહ્યું હતું કે, પોતાની જાતમાં અને ઈશ્વર પર વિશ્વાસ જ મહાનતાનું રહસ્ય છે. વ્યક્તિ શારીરિક બળ અને આત્મબળથી સફળતા મેળવે છે. તેમાં પણ શારીરિક બળની મર્યાદા હોય છે, પરંતુ આત્મબળની કોઈ સીમા નથી. અરુણિમા સિન્હા આત્મબળનું પ્રેરણાદાયી પ્રતિક છે. વ્યક્તિના વિકાસમાં તેના પરિવારના સકારાત્મક યોગદાનનું પણ સવિશેષ મહત્વ છે, એમ કહીને રાજ્યપાલ ઓ પી કોહલીએ જણાવ્યું હતું કે, પરિવારમાં બાળકોને પ્રોત્સાહિત કરવાને બદલે હતોત્સાહિત કરવામાં આવે છે. વારંવાર ટોકવામાં આવે છે. બાળકો પ્રત્યેનો નકારાત્મક અભિગમ તેમનો વિકાસ અવરોધે છે. સકારાત્મક પરિવારિક વાતાવરણ જ અરૂણિમા સિન્હા જેવા સંતાનો પેદા કરી શકે છે. યોદ્ધા જેવું જુજારૂ વ્યક્તિત્વ ધરાવતી દીકરી અરુણીમા સિન્હાએ પ્રતિકુળતાઓ વચ્ચે પણ પ્રબળ આકાંક્ષાથી પરિસ્થિતિ પર વિજય હાંસલ કર્યો છે. પદ્મશ્રી અરુણિમા સિન્હાએ આત્મકથાનક સમુ પુસ્તક લખ્યું છે. અંગ્રેજી ભાષામાં લખાયેલા આ પુસ્તકનો સુધાબેન મહેતાએ ગુજરાતી ભાષામાં વિશ્વાસનું એવરેસ્ટ વિષય સાથે અનુવાદ કર્યો છે.

ગુર્જર પ્રકાશને આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. રાજ્યપાલ ઓ પી કોહલીએ આ પુસ્તકનું લોકાર્પણ કરતાં કહ્યું હતું કે, અરૂણિમા સિન્હાના પ્રેરણાદાયી વ્યક્તિત્વનું આલેખન કરતું આ પુસ્તક ભારતની તમામ પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદીય થવું જોઈએ. શ્રેષ્ઠ પુસ્તકોનો પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ થાય તો તે અખિલ ભારતીય ઓળખ પ્રસ્થાપિત કરી શકે. ગુજરાત સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા દિવ્યાંગ ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાય છે. રાજ્યપાલ ઓ પી કોહલીના વરદ હસ્તે સાઈની ગોમ્સને ૪,૯૫,૦૦૦નો પુરસ્કાર, જગદીશભાઈ વશરામજી ઠાકોરને ૪ લાખ, કવિ સવદાસભાઈ ચાવડાને ૪ લાખ તથા પુરીબેન બબુભાઈ ઠાકોર, ઉષા રામજી ઠાકોર ભારતીબેન વિરાભાઈ સૂંઢીયા, સુદ રોહિત પુનિત, અબ્દુલ રઝાક સફીક અહેમદ વોરા અને નિકીતા રતિલાલ વણસોલાને દિવ્યાંગ ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાયા હતા.

(9:29 pm IST)