Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

એન્ફ્રા લાગુ કરવાની કેન્દ્રની તજવીજ સામે સીએ નારાજ

પંજાબ નેશનલ બેંકના હજારો કરોડના કૌભાંડ બાદઃ સીએ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરાયો: કોર્પોરેટ મંત્રાલયના રિજિયોનલ ડાયરેકટરને આવેદનપત્ર સુપરત

અમદાવાદ,તા. ૨૧: પંજાબ નેશનલ બેંકના હજારો કરોડના કૌભાંડ બાદ કેન્દ્ર સરકાર અને ેતેની એજન્સીઓ દ્વારા નીરવ મોદી, મેહુલ ચોકસી જેવા ડિફોલ્ટરો સામે સબક સમાન કાર્યવાહી કરવાના બદલે દોષનો ટોપલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પર ઢોળવાના પ્રયાસની તેમ જ સીએ પર ગાળિયો કસતી નેશનલ ફાયનાન્સીયલ રિપોર્ટીંગ ઓથોરીટી(એન્ફ્રા)ની જોગવાઇઓ લાગુ કરવાની કેન્દ્ર સરકાર દ્વારા થઇ રહેલી તજવીજના વિરોધમાં આજે અમદાવાદ શહેરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા ધી ટેક્સ પેયર્સ પ્રોટેકશન કાઉન્સીલ, જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ  સીએ આલમ દ્વારા વિરોધદર્શક કાર્યક્રમ યોજાયો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા હાથ પર કાળી પટ્ટી ધારણ કરી કેન્દ્ર સરકારની સરમુખત્યારશાહીનો વિરોધ કરાયો હતો. દરમ્યાન આજે સાંજે ટેક્સ પેયર્સ પ્રોટેકશન કાઉન્સીલના પ્રવકતા અને જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયા, જનરલ સેક્રેટરી રોહિત પટેલ(એડવોકેટ) સહિતના અગ્રણીઓના પ્રતિનિધિમંડળ દ્વારા કોર્પોરેટ મંત્રાલયના રિજિયોનલ ડાયરેકટરને એક વિસ્તૃત આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવ્યું હતું. પ્રતિનિધિમંડળ તરફથી આ આવેદનપત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય નાણાંમંત્રી, ગુજરાતના રાજયપાલ, મુખ્યમંત્રી સહિતના સંબંધિત સત્તાવાળાઓને પણ પાઠવવામાં આવ્યું હતું. ટેક્સ પેયર્સ પ્રોટેકશન કાઉન્સીલના પ્રવકતા અને જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયા, જનરલ સેક્રેટરી રોહિત પટેલે આ અંગે જણાવ્યું હતું કે, પંજાબ નેશનલ બેંક સહિતની બેંકોમાં વીલફુલ ડિફોલ્ટરો દ્વારા હજારો કરોડના કૌભાંડો આચર્યા બાદ હવે દેશની બેંકોમાં લોકોના માનસપટ પર એવો ડર પેસી ગયો છે કે, તેમની મહેનત પરસેવાની કમાણી હવે બેંકોમાં પણ સલામત નથી. કારણ કે, બેંકોમાં વીમાકવચ હેઠળ થાપણદારોને માત્ર એક લાખનું જ વીમાકવચ છે, જે વધારી દસ લાખ કરવા અમે વર્ષોથી માંગણી કરી છે અને ખુદ આરબીઆઇએ ૨૦૧૪માં તે વધારવાની હૈયાધારણ આપી હોવાછતાં આજદિન સુધી તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. જેના કારણે આજે દેશની બેંકોમાં પ્રજાના નાણાં સલવાયા છે. બીજીબાજુ, નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસી જેવા ડિફોલ્ટરો હજારો કરોડની લોન લઇ વિદેશ ભાગી જાય છે અને દોષનો ટોપલો સીએ પર ઢોળી દેવાનો પ્રયાસ થાય છે. પીએનબી કૌભાંડ બાદ કેન્દ્ર સરકાર પોતાનો દોષનો ટોપલો બીજાની પર ઢોળવા અને વિષયથી ધ્યાન ભટકાવવા માટે હવે એન્ફ્રાની જોગવાઇઓ કે જેમાં સીએ પર ગાળિયો કસવાની વાત છે તે લાગુ કરવાની તજવીજ હાથ ધરી રહી છે, જેને લઇ ગુજરાત સહિત દેશભરના સીએ આલમમાં ઉગ્ર રોષ અને વિરોધની લાગણી ફેલાઇ છે. ટેક્સ પેયર્સ પ્રોટેકશન કાઉન્સીલના પ્રવકતા પ્રમુખ પ્રકાશ કાપડિયા અને જનરલ સેક્રેટરી રોહિત પટેલે ઉમેર્યું હતું કે, ખુદ આરબીઆઇએ ૨૦૧૬માં બેકીંગસીસ્ટમની સલામતી માટે સ્વીફ્ટ સીસ્ટમ અને સીબીએસ સીસ્ટમને લીંક કરવા સૂચના આપી હોવાછતાં તે લીંક નહી કરાતાં પંજાબ નેશનલ બેંકના કૌભાંડ જેવા મોટા કૌભાંડો આચરાયા, આવા તમામ કૌભાંડોની જવાબદારી કેન્દ્ર સરકાર, નાણાં મંત્રાલય અને આરબીઆઇના ગવર્નરની બને છે. થાપણદારોના હિતમાં અને તેઓની જીવનભરની મૂડીની સલામતી માટે આગામી દિવસોમાં આ સમગ્ર મામલે રાજયવ્યાપી આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

(9:36 pm IST)