Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

અમદાવાદમાં ૪૧ હજાર રોકડ, ૨૦૦ ડોલર અને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથેનું પાકીટ અેરપોર્ટના સ્ટાફે માલિકને પરત કરીને પ્રમાણિકતા દાખવી

અમદાવાદઃ અમદાવાદના અેરપોર્ટ ઉપર અેક મુસાફરને અેરપોર્ટ ઓથોરિટિઝના માનવતાવાદી કર્મચારીઓના કારણે મોટી રકમ સાથેનું પાકીટ ૩ કલાકમાં પરત મળ્યુ હતું.

અમદાવાદના તુલ પંડિત વેપારના કામકાજને લઈને અમદાવાદથી ફ્લાઇટ દ્વારા મુંબઈ ગયા હતા. ત્યારે તેમને અમદાવાદથી કોલ આવ્યો હતો જોકે તેમણે પહેલા આ કોલને ફેક કોલ ગણ્યો હતો. પરંતુ જ્યારે સામા છેડેથી અધિકારીએ ઓળખાણ આપી કે પોતે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો અધિકારી છે ત્યારે તેમણે ફોન કોલને સીરિયસ લીધો હતો. અધિકારીએ કહ્યું કે તેમને એક ખોવાયેલું પાકિટ મળ્યું છે જેમાં તેમના ડૉક્યુમેન્ટ્સ મળી આવ્યા છે.

આટલું સાંભળતા જ તેમની શંકા દૂર થઈ અને અતલુભાઈને ધ્યાનમાં આવ્યું કે પોતે અમદાવાદ એરપોર્ટ પર જ સિક્યોરિટી ચેક સમયે પાકિટ ભૂલથી પરત લેવાનું ભૂલી ગયા હતા. જેથી ખરાઈ કર્યા બાદ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીએ તેમનું પાકિટ પરત કર્યું હતું. જેમાં રુપિયા 41 હજાર અને 200 ડૉલરની રોકડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ઉપરાંત આઇડેન્ટિટી પ્રુફના ડોક્યુમેન્ટ્સ હતા.

અતુલભાઈ કહે છે કે પાકિટ મળ્યા ઉપરાંત હું એટલા માટે વધારે પ્રભાવિત થયો કે આટલી પ્રામાણિક્તા સાથે ફરજ પૂરી કર્યા બાદ પણ અધિકારીએ પોતાની ઓળખ છતી કરવાની ના પાડી હતી. એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અને સિક્યોરિટી ચેકિંગમાં રહેલા CISFના સ્ટાફની આ કર્તવ્યનિષ્ઠાનો હું ફેન થઈ ગયો છું.તેમણે કહ્યું કે, ‘જ્યારે મને ફોન પર પૂછવામાં આવ્યું કે પાકિટનામાં કેટલા રોકડ રુપિયા હતા ત્યારે મે લગભગ 20000 હોવાનું જણાવ્યું હતું. પરંતુ જ્યારે મને પાકિટ પરત મળ્યું ત્યારે તમામ વસ્તુઓ જેમની તેમ ગોઠવેલી હતી.

એક અંદાજ મુજબ અમદાવાદ એરપોર્ટ પર દર મહિને લગભગ 80 જેટલી ખોવાયેલી વસ્તુઓ મળી છે અને તમામને શક્ય તેટલી વહેલી તેના માલિક સુધી પહોંચાડવામાં આવે છે. આ વસ્તુઓમાં મોબાઇલ ફોન, લેપટોપ, ઓવરકોટ, વોલેટ, પેન ડ્રાઇવ, ઘળીયાળ, ટોય્ઝ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જેવી કિંમતી વસ્તુઓનો સમાવેશ થાય છે. એરપોર્ટ ઓથોરિટી આ વસ્તુઓ જ્યારે તેના માલિક બોર્ડિંગ પાસ અને ID પ્રુફ સાથે આવે છે ત્યારે તેમને પરત કરે છે.

કેટલાક કિસ્સામાં આવી ખોવાયેલી વસ્તુઓનો કુરિયર કરીને પણ પરત કરવામાં આવે છે. જેમ કે પેસેન્જર જો અમદાવાદ ન રહેતા હોય તો તેમની ઓળખની ખરાઈ કર્યા બાદ તેઓ જ્યાં હોય ત્યાં આ વસ્તુઓ મોકલી આવામાં આવે છે. એરપોર્ટ ખાતેના એક સૂત્રે જણાવ્યું કે, ‘એકવાર જયપુરથી એક મહિલાનો કોલ આવ્યો કે હું અમદાવાદ એરપોર્ટ પર મારુ પર્સ ભૂલી ગઈ છું. પરંતુ જો આ વાત મારા પતિને ખબર પડશે તો તેઓ મને ખીજાશે.જેથી પહેલા અમે તે મહિલાની ઓળખ કન્ફર્મ કરી અને ત્યારબાદ પર્સને જયપુર મોકલવામાં આવ્યું.

(7:53 pm IST)