Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ઓઢવ : વ્યાજખોરના ત્રાસથી રીક્ષાચાલકે કરેલી આત્મહત્યા

વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના બનાવો વધ્યા : ઓઢવ પોલીસે મૃતકની સ્યુસાઇડ નોટ કબ્જે કરી : ચિઠ્ઠીમાં નીલેશ રબારી અને બળદેવ મરાઠીના નામોનો ઉલ્લેખ

અમદાવાદ,તા. ૨૧ : શહેરમાં વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યાના બનાવો વધતાં જાય છે. આવા જ વધુ એક કિસ્સામાં શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા એક રીક્ષાચાલકે વ્યાજખોરોના ત્રાસ અને હેરાનગતિથી કંટાળીને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઓઢવ પોલીસે ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ પણ કબ્જે કરી હતી અને સમગ્ર મામલામાં જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.  આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતાં અને ઓટો રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં રીક્ષાચાલકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગઇકાલે ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલુ કર્યું હતું. બનાવની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઓઢવ પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતકે આત્મહત્યા પહેલા લખેલી સ્યુસાઇડ નોટ મળી આવતાં પોલીસે તેના આધારે તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. સ્યુસાઇડ નોટમાં નીલેશ રબારી અને બળદેવ મરાઠી નામના શખ્સોના નામનો ઉલ્લેખ કરાયો છે. પૈસાને લઇ મૃતક પાસે અવારનવાર પઠાણી ઉઘરાણી કરાતી હતી અને ગંભીર ધમકીઓ આપવામાં આવતી હતી. અગાઉ તેને આ જ મુદ્દે ઉઠાવી ઢોર માર પણ મારવામાં આવ્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં ખુલવા પામી છે. હાલ તો પોલીસે આ સમગ્ર પ્રકરણમાં જરૂરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે બંને વ્યાજખોરોની તપાસ શરૂ કરી છે અને આ સમગ્ર મામલામાં સ્થાનિક રહીશોના પણ નિવેદનો લઇ પૂછપરછ હાથ ધરી છે.

(7:48 pm IST)