Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

આવકવેરા વિભાગ દ્વારા ૧.૪ કરોડ રૂપિયાની કરવેરાની બાકી રકમ સાથે શેર દલાલ મહેશ ગાંધીની ધરપકડઃ નોટબંધી સમયે ૧૦ કરોડ જમા કરાવ્‍યા હતાં

અમદાવાદઃ નોટબંધી સમયે રૂપિયા ૧૦ કરોડ બેંકમાં જમા કરાવનાર અમદાવાદના શેર દલાલ મહેશ ગાંધીની પોલીસે ધરપકડ કરી છે.

આવકવેરા વિભાગે 1.4 કરોડ રૂપિયાના કરવેરાની બાકી રકમ સાથે ધરપકડ કરી હતી. સૂત્રોના જમાવ્યા પ્રમાણે, મહેશ ગાંધી નામનો શખ્સ બિઝનેસ છે, જેની ઈનકમ ટેક્સ એક્ટના શેડ્યુલ-2 હેઠળ ધરપકડ કરાઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રકારનો કિસ્સો અપવાદરૂપ છે, જે 20 કે તેથી વધુ વર્ષોમાં એકાદ વાર બને છે.

26 વર્ષથી ટેક્સ ન ભરનારા મહેશ ગાંધીને 1.4 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાનો બાકી છે. કેસની નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગાંધીએ ક્યારેય ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યું. 1993-93, 1995-96 અને 2010-11નો ટેક્સ ભરવાની અપાયેલી નોટિસનો જ્યારે ગાંધી તરફથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે ટેક્સ રિકવરી ઓફિસરે ગાંધીની ધરપકડ કરવાનું નક્કી કર્યું. જો કે, પાલડીના ધરણીધર ટાવરમાં રહેતા મહેશ ગાંધીએ હજુ સુધી પોતાની મિલકતો અને નાણાંકીય વિગતો વિશે ન જણાવ્યું હોવાની માહિતી મળી છે.

મહેશ ગાંધીએ તેના અને તેના પરિવારના ખાતામાં નોટબંધી બાદ 10 કરોડ રૂપિયા જમા કરાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ મામલે હજુ તપાસ ચાલુ છે. જો કે, ગાંધી આવકવેરા વિભાગના અધિકારીઓને ખાતરી આપે કે તે કરવેરાની બાકી રકમ ભરી દેશે તો તે છૂટી શકે છે. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે, “જો ગાંધી કરવેરાની રકમ ચૂકવી દેશે તેવી ખાતરી આપે અને અમે તે મામલે તપાસ કરીએ ત્યારે બધું સંતોષકારક જણાશે તો અમે તેને છોડી દઈશું.

ગુજરાતના આવકવેરા વિભાગના પ્રિન્સિપલ ચીફ કમિશ્નર એ.કે. જૈસવાલે જણાવ્યું કે, “ધરપકડનો મતલબ લોકોને ડરાવવાનો નથી પણ ટેક્સની રકમ ચૂકવી દેશે તેની ખાતરી મેળવવાનો છે. ડિફોલ્ટરની ધરપકડ કરવાના કિસ્સા ઘણા ઓછા છે, જ્યારે આ પ્રકારની ઘટના હોય ત્યારે જ ધરપકડ કરાય છે.” 31 માર્ચે પૂરાં થતા નાણાંકીય વર્ષ પહેલા આવકવેરા વિભાગ આવી બીજી ધરપકડ કરશે કે નહીં તે અંગે પૂછતાં જૈસવાલે કહ્યું કે, “જો આ પ્રકારના બીજા કેસ સામે આવશે તો ધરપકડ કરીશું.

(7:47 pm IST)