Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

અગાઉ પોલીસે સમરી ભરી ગુનામુકત કર્યા હતા તે પ્રકરણમાં

સુરતમાં અબજોની જમીન પ્રકરણમાં હિરા ઉદ્યોગપતિ પાટીદાર અગ્રણી વસંતભાઇ ગજેરાની અટકાયત

ખેડૂતોએ હાઇકોર્ટમાં ન્યાય માંગતા ફેર તપાસનો ધમધમાટઃ રાત્રે સત્તાવાર જાહેરાત

રાજકોટ તા. ૨૧ : હિરાનગર સુરતમાં ટોચના ઉદ્યોગપતિ અને પાટીદાર સમાજના અગ્રણી વસંતભાઇ ગજેરાની કિંમતી જમીન પ્રકરણમાં ઉમરા પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જમીન મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ વસંતભાઇ ગજેરાની ઉમરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જમીનના બોગસ દસ્તાવેજ ઉભા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

વેસુ વિસ્તારમાં આવેલી જમીન મામલે ખેડૂત દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઇ હરીભાઇ ગજેરા વિરુદ્ઘ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ જમીન વિવાદનો મુદ્દો હાઈકોર્ટમાં ગયો હતો. જેમાં હાઈકોર્ટના આદેશ બાદ ઉમરા પોલીસ દ્વારા વસંતભાઇ ગજેરાની અટકાયત કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ વેસૂ વિસ્તારમાં વસંતભાઇ ગજેરાએ ખેડૂતો પાસે જમીન ખરીદી હતી, પરંતુ ખેડૂતોનો આરોપ છે કે, જે જમીનની ખરીદી કરવામાં આવી હતી, તેમાં વસંતભાઇ ગજેરાએ છેતરપિંડી કરી છે. ખેડૂતોએ ફરિયાદ કરી હતી કે, વસંતભાઇ ગજેરાએ બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. ઉમરા પોલીસ સ્ટેશનમાં પહેલા ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે કાર્યવાહી ન કરતા ગુજરાત હાઇકોર્ટમાં વજુભાઈ વાલાણી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેને આધારે ઉમરા પોલીસ દ્વારા વસંતભાઇ ગજેરાની અટકાયત કરવામાં આવી હતી.

(8:26 pm IST)