Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

નર્મદા ડેમમાં પાણીની અવિરત આવકઃ આખા ગુજરાતને અઠવાડિયુ ચાલે તેટલું પાણી આવ્યુ

૫ દિ'માં સપાટીમાં ૩૦ સે.મી. જેટલો વધારોઃ આજની સપાટી ૧૦૫.૭૧ મીટર

રાજકોટ, તા. ૨૧ :. રાજ્યની જીવાદોરી ગણાતી નર્મદા યોજના આધારિત સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીના ઘટાડાને બ્રેક લાગી છે અને મધ્યપ્રદેશે પોતાના હેતુ માટે છોડેલા પાણીથી ગુજરાતને અનાયાસે લાભ મળ્યો છે. છેલ્લા અઠવાડિયામાં નર્મદા ડેમની જળ સપાટીમાં ૩૦ સે.મી. જેટલો વધારો થયો છે. તે આખા ગુજરાતના નર્મદા આધારિત વિસ્તારોને અઠવાડિયા સુધી પાણી પુરૂ પાડી શકાય તેટલો જથ્થો વધ્યાનો અંદાજ છે. આજેય પાણીની આવક ચાલુ છે. મધ્યપ્રદેશે જો વધુ પાણી છોડે તો નર્મદા ડેમમાં વધુ પાણીની આવક થશે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ તા. ૧૭ માર્ચ સવારે નર્મદા ડેમની જળ સપાટી ૧૦૫.૪૫ મીટર હતી તે વધીને આજે સવારે ૧૦૫.૭૧ મીટરે પહોંચી છે. તે દિવસથી આજ સુધીનો વધારો ૨૬ સે.મી. જેટલો થયો છે. ચાલુ વર્ષમાં નર્મદા ડેમની સપાટી સૌથી વધુ ઘટીને ૧૦૫.૪૨ મીટર સુધી પહોંચી હતી. આ ઘટાડો અટકયો છે અને વગર વરસાદે પાણીની આવક થઈ છે તે ગુજરાત માટે શુભ સંકેત છે.

(1:03 pm IST)