Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સમૃદ્ધ જીવન કું.ના નામે લોકોના જીવન નર્ક બનાવનાર કંપની પર રાજ્યભરમાં સીઆઈડી ત્રાટકી

છોટાહાથી ટેમ્પો ભરાય તેટલી મોટી સંખ્યામાં દસ્તાવેજી મુદ્દામાલો અને પુરાવાઓ દરોડા દરમિયાન મળી આવ્યાઃ રાજકોટ બાદ હવે રાજ્યભરમાં કાર્યવાહી : ૪૦થી વધુ જુદી જુદી કંપનીના રજીસ્ટરો અને અગત્યની ફાઈલો મળીઃ ૨૦થી ૨૫ હજાર એજન્ટોની માયાજાળ દ્વારા હજારો લોકોને છેતરનાર કંપનીનો આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં પર્દાફાશ

રાજકોટ, તા. ૨૧ :. સમૃદ્ધ જીવન ફુડ ઈન્ડીયા પ્રા.લી. તથા સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ કંપનીઓ ઉભી કરનારા કંપનીના કહેવાતા ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર (મહારાષ્ટ્ર-પૂણે) દ્વારા ૨૦ થી ૨૫ હજાર એજન્ટોની ફોજ ઉભી કરી હજારો લોકો પાસેથી ૬૦ કરોડથી વધુ રૂપિયા ઉઘરાવી છેતરપીંડી કરવાના મામલામાં સીઆઈડીને મળેલી ફરીયાદ આધારે ગુજરાતના વિવિધ શહેરોમાં સીઆઈડીના યુનિટો એક સાથે ત્રાટકતા ૪૦ જેટલી જુદી જુદી રજીસ્ટર કંપનીના સીલ, સ્ટેમ્પસ, પ્રમોશનલ લેટર્સ તથા ખૂબ જ અગત્યની ફાઈલો સીઆઈડીએ કબ્જે કર્યાનું ટોચના સીઆઈડી વર્તુળોમાંથી જાણવા મળે છે.

ઉકત બાબતે ફરીયાદી હિતેશભાઈ વસંતભાઈ પટેલ રહે. અમદાવાદની ફરીયાદ આધારે ગાંધીનગર સીઆઈડી હેડ કવાર્ટરમાં વિવિધ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરી રાજ્યના ડીજી કક્ષાના સીઆઈડી વડા આશિષ ભાટીયાના સીધા માર્ગદર્શનમાં ગાંધીનગરના ડીટેકટીવ પોલીસ ઈન્સ. એ.જે. પટેલ તપાસ ચલાવી રહ્યા છે. આશિષ ભાટીયાના આદેશ અનુસાર સીઆઈડીના ઈકોનોમીક સેલના નાયબ પોલીસ અધિક્ષક એ.એ. સૈયદના માર્ગદર્શનમાં વિવિધ ટીમો બનાવી રાજકોટ બાદ હવે અમદાવાદ, મહેસાણા, પાટણ, ડીસા, ધાનેરા, નડીયાદ, હિંમતનગર વગેરે જગ્યાએ કંપનીની આવેલી બ્રાન્ચો, ઓફિસો પર સીઆઈડી ટીમો એક સાથે ત્રાટકી હતી.

અમદાવાદ ખાતેની નરોડા બ્રાન્ચમાંથી કોમ્પ્યુટરના ૮ સીપીયુ, ૩ પ્રીન્ટર, એલઈડી સહિતના દસ્તાવેજો મળી આવ્યા હતા. ઉકત બન્ને જગ્યાએથી છોટા હાથી ટેમ્પો ભરાય તેટલા દસ્તાવેજો અને મુદ્દામાલ મળી આવેલ છે. નવરંગપરામાં પણ હિસાબ-કિતાબના ચોપડાઓ મહેસાણા ખાતે કોમ્પ્યુટર-ફેકસ કમ પ્રિન્ટર-૧, પૈસા મળ્યા બદલની સ્લીપો વગેરે મળી આવ્યુ હતું.

આ જ પ્રકારની છેતરપીંડી ભૂપેન્દ્રભાઈ પટેલની ફરીયાદ સંદર્ભે સુરત જિલ્લાના અમરોલીમાં સીઆઈડી ક્રાઈમના ડીટેકટીવ પોલીસ ઈન્સ. પી.જે. નરવાડે તપાસ ચલાવી રહ્યા છે. જે સ્થળેથી પણ હાર્ડડીસ્કો, ૪૦ જેટલા જુદી જુદી કંપનીના સીલ તથા અગત્યની ફાઈલો પણ મળી આવવા સાથે મહત્વના પુરાવાઓ સીઆઈડી હાથ લાગ્યા છે.

(1:00 pm IST)