Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ગુજરાતના હોમગાર્ડ જવાનોને ઓછુ અને અનિયમિત વેતન !

અમદાવાદ, તા. ર૧: કાયદો વ્યવસ્થા, કુદરતી આપત્તી અને ટ્રાફિકમાં પોલીસ તંત્રને મદદરૂપ થવા ફરજ બજાવતા ૪૦,૦૦૦ જેટલા હોમગાર્ડ જવાનોને અપૂરતુ અને અનિયમિત વેતન આપવાની બાબત માટે ભાજપ સરકારના દેવાળીયા વહીવટ અને શોષણની નીતિ જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૪૦,૦૦૦ જેટલા હોમગર્ડા જવાનો કાયદો-વ્યવસ્થા અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં ટ્રાફીક વ્યવસ્થા માટે ફરજ બજાવે છે. મોટાભાગના હોમગાર્ડ જવાનોને ત્રણ-ત્રણ મહિના સુધી વેતન ચૂકવાતું નથી. અમુક જિલ્લામાં તો છ મહિના જેટલા સમયથી હોમગાર્ડ જવાનોને વેતન ચૂકવાતું નથી. સામાન્ય-મધ્ય વર્ગના હોમગાર્ડ જવાનો વેતન માટે ઉપરી અધિકારીઓને ફરીયાદ કરી શકતા નથી.

ગુજરાતના હોમગાર્ડ જવાનોને નજીકના પડોશી રાજયો કરતા ઘણુ ઓછુ વેતન મળે છે. ગુજરાતના હોમગાર્ડ જવાનોને પ્રતિદિન રૂ. ૩૦૦/અ અને રૂ. ૪/અ વોશિંગ એલાઉન્સ એટલે રૂ. ૩૦૪/- જેટલુ જ વેતન આપવામાં આવે છે પણ છેલ્લા ઘણા વર્ષોથી તે પણ નિયમિત મળતું નથી અન્ય રાજયોમાં હોમગાર્ડ જવાનોને રૂ. પ૦/- થી રૂ. ૮૦/- જેટલુ વોશીંગ એલાઉન્સ અને અમુક રાજયોમાં રૂ. ૯૦/- પરેડ એલાઉન્સ, રૂ. ૩પ/- પોકેટ એલાઉન્સ અને ટીએ પ્રતિદિન આપવામાં આવે છે. જયારે ગુજરાતના હોમગાર્ડના જવાનોને યુનિફોર્મ મળતા નથી. આર્ટીકલ, ટી.એ. સમયસર મળતું નથી. (૮.૪)

 

(9:47 am IST)