Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

ગાંધીનગરમાં સચિવાલયની કેન્ટીનનો કોન્ટ્રાકટ અમુલને અપાયો : 23મીથી થશે કેન્ટીનનો પ્રારંભ

મુલાકાતીઓ અને સરકારી કર્મચારીઓને ભોજનની વિવિધતા માણવા મળશે.

ગાંધીનગર સચિવાલયમાં કે વિધાનસભામાં મુલાકાતે જનારા સૌ જાણે છે કે સચિવાલય અને વિધાનસભા ની કેન્ટીનમાં ભોજનની વિવિધતાની કલ્પના કરવી મુશ્કેલ છે. જોકે હવે મુલાકાતીઓ માટે રાહતના સમાચાર છે. સચિવાલયમાં હવે અમૂલની કેન્ટીનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે જ્યાં મુલાકાતીઓ અને સરકારી કર્મચારીઓને ભોજનની વિવિધતા માણવા મળશે.

મળતી વિગતો મુજબ સચિવાલય અને વિધાનસભા ની કેન્ટીનોમાં ભોજનની વિવિધતાથી માંડીને સ્વચ્છતા સહિતના અનેક પ્રશ્નો સર્જાય છે. પરિણામે માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં મુલાકાતીઓને પણ ભોજન સંદર્ભમાં અસંતોષ રહે છે. જોકે હવે સરકારી કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે સારા સમાચાર એ છે કે મંગળવારથી સચિવાલયના બ્લોક નંબર 5-7 ની વચ્ચે અમુલની કેન્ટીનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ કેન્ટીનનો કોન્ટ્રાક્ટ હવે અમૂલને ફાળવવામાં આવ્યો છે. જ્યાં હવે ચા નાસ્તાની સાથે સાથે લંચ ની લિજ્જત પણ માણવા મળશે. સરકારી કર્મચારીઓ અને મુલાકાતીઓ ને ભોજન સંદર્ભે પડતી અગવડતા ની વાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીએસ સુધી પહોંચતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવારથી અમૂલનીભવ્ય કેન્ટીનનો બ્લોક નં. 5 અને 7 ના વચ્ચે ના એરિયા ખાતે પ્રારંભ થશે.

સચિવાલય ખાતે આવેલી કેન્ટીન
– બ્લોક નં. 3
– બ્લોક નં. 8
– બ્લોક નં. 11
– બ્લોક નં. 14
– બ્લોક નં. 11 માં મહિલા કેન્ટીન
– વિધાનસભા માં 2 કેન્ટીન
– જુના સચિવાલય માં બ્લોક નં. – 3

આ તમામ કેન્ટીન પૈકી જુના સચિવાલય અને નવા સચિવાલય બ્લોક નં. 3 ની કેન્ટીન નું સંચાલન ‘ સચિવાલય સહકારી ઉપહાર ગૃહ’ હસ્તક છે, જ્યારે બાકીની તમામ કેન્ટીન GAD હસ્તક છે.

(8:46 pm IST)