Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

છેલ્લા ચાર મહિનાથી બંધ પડેલી ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા 24 ફેબ્રુઆરીથી ફરી શરૂ થશે

ગાંધીનગરઃ ભારત સરકારની સાગરમાલા યોજના અને ગુજરાત સરકારના  મેરીટાઇમ બોર્ડ દ્વારા ફંડીગથી ચાલુ કરવામાં આવેલી ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસ ફરી શરૂ થવા જઇ રહી છે.

 આ સર્વિસ લોકોની હાલાકી દૂર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પરંતુ ગતવર્ષે થયેલી અતિભારે વરસાદને કારણે દહેજ બાજુની ચેનલમાં ખૂબ જ મોટી માત્રામાં સિસ્ટેશન થઇ ગયેલી છે. જેથી થોડા સમયથી આ ફેરી સર્વિસ બંધ પડી છે.

  આ ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારના શીપીંગ મંત્રાલય પાસે ટેકનીકલ સહાયતા માટે માંગ કરવામાં આવી હતી. થોડા દિવસો અગાઉ કેન્દ્ર સરકારના શીપીંગ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા અંગે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવેલ હતી.

  આ ફેરી ફરી ચાલુ કરવા ભારત સરકારના અધિક સચિવના અધ્યક્ષ પદે એક એમ્પાવર્ડ ગ્રુપની રચના કરવાનો નિર્ણય કરેલ છે.આ એમ્પાવર્ડ ગ્રુપમાં ભારત સરકારના અધિકારીઓ ઉપરાંત ગુજરાત સરકારના અધિકારીઓ તથા વિવિધ ટેકનીકલ એક્ષ્‍પર્ટ્સ રહેશે.

  આ એમ્પાવર્ડ ગ્રુપ આગામી થોડા દિવસોમાં ટેકનીકલ ચર્ચા-વિચારણા કરીને ફેરી સર્વિસને પુનઃ ચાલુ કરવા ટેકનીકલ સોલ્યુશન સાથે હવે 24 ફેબ્રુઆરીથી ઘોઘા દહેજ રો રો ફેરી ફરીથી ચાલુ કરવાની જાહેરાત કરી છે.

(9:29 pm IST)