Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજની ફાળવણી

કેવડિયામાં રોજના હજારો ઉમટતા પ્રવાસીઓ : અન્ય પ્રોજેક્ટ પણ આકાર લઇ રહ્યાં છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ કરાયા બાદ ત્યાં રોજે રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.કેવડિયા વિસ્તારમાં પ્રવાસીઓ માટે અન્ય પ્રોજેક્ટો પણ આકાર લઈ રહ્યા છે.સાથે સાથે ભવિષ્યમાં ત્યાં મોટી મોટી હોટેલો પણ બનવાની સંભાવનાઓ રહેલી છે.તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ અને સ્થાનિક આદિવાસી ઓને ત્વરિત સારવાર મળી રહે એ હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા નર્મદા જિલ્લાના રાજપીપળામાં 300 બેડ વાળી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની ફાળવણી કરાઈ છે.

 રાજપીપળાની સાથે નવસારી અને પોરબંદર ખાતે પણ મેડિકલ કોલેજની ફાળવણી કરાઈ છે.જેમાં ભારત સરકારના 60% અને રાજ્ય સરકાર ના 40% મળી પ્રત્યેક મેડિકલ કોલેજ માટે 325 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે.આ માટે 5/12/2019 ના રોજ સૈદ્ધાંતિક મંજૂરીની સાથે રાજપીપળા હોસ્પિટલ માટે વડોદરા સરકારી મેડિકલ કોલેજ, નવસારી માટે સુરત સરકારી મેડિકલ કોલેજ અને પોરબંદર માટે જામનગર ની એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડિનની નોડલ ઓફિસ તરીકે નિમણુંક પણ કરાઈ છે.

(6:53 pm IST)