Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

બનાસકાંઠા:છેવાડાના વિસ્તારમાં પસાર થતી નર્મદાની કેનાલમાં ગાબડાઓ પડવાનો સિલસિલો યથાવત:વાવ તાલુકા નજીક પસાર થતી કેનાલમાં ગાબડાં પડતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

બનાસકાંઠા: છેવાડાના વિસ્તારોમાં પસાર થતી નર્મદાની કેનાલોમાં ગાબડાઓ પડવાનો સીલસીલો ચાલી રહ્યો છે. જે વચ્ચે વાવ તાલુકાના ખીમાણાવાસ અને બાલુત્રી ગામે માઈનોર કેનાલમાં મસમોટા બે ગાબડાં પડતાં ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. જોકે તકલાદી કેનાલમાં પાણી આવતાની સાથે જ કેનાલો માટીના પાળાની જેમ તુટતી હોઈ ખેડૂતોની હાલત કફોડી બની છે.

બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં નર્મદાની કેનાલોમાં છાશવારે ભંગાણ સર્જાતા ધરતીના તાત મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કેનાલો તુટતા પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના મહામુલો પાક નાશ પામી રહ્યો હોય ખેડૂતોને નુકશાન વેઠવાની ફરજ પડી રહી છે. તેમછતાં તંત્ર દ્વારા ગાબડા પડવાના સીલસીલાને અટકાવવા અંગે કોઈ જ દરકાર લેવામાં આવતી નથી. જે વચ્ચે ફરી વાવ પંથકના ખીમાણાવાસ અને બાલુત્રી ગામે પસાર થતી નર્મદાની માઈનોર કેનાલમાં ૧૦ ફૂટમાં સમમોટા ગાબડા પડતાં કેનાલોનુ પાણી ખેતરોમાં ભરાયા હતા. જોકે કેનાલમાં વધુ પાણી છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થવાને લઈ ૧૦ ફૂટ જેટલું ધોવાણ થયું હતું. સાથે નર્મદાના પાણી વેડફાટ થવાની સાથે ખેતરોમાં ઉભો પાક નાશ પામવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતિત થઈ ઉઠયા હતા. જોકે કેનાલો તૂટવા અંગે ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું સમાધાન ન થતા ધરતીપુત્રોની હાલત કફોડી બની છે.

(5:48 pm IST)