Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

મહેસાણામાં યુવતી સાથે પરિચય કેળવી અંગતફોટા વાયરલ કરવાની ધમકી આપી 10 દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

મહેસાણા: શહેરની એક યુવતિ સાથે પરિચય કેળવી તેની સાથેની અંગતપળોના ફોટા વાઈરલ કરવા તેમજ ભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને બાલીસણાના યુવકે તેણીને અજાણ્યા સ્થળે ૧૦ દિવસ સુધી ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અગાઉ પાટણ કોર્ટની બહાર લગ્નના કાગળો પર યુવતિની સહીઓ કરાવીને તેની નોંધણી કરાવવામાં આવી હતી.

મહેસાણા તાલુકા પંથકની યુવતિ શહેરની કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેણી એકાદ વર્ષ અગાઉ પાટણના બાલીસણા ગામના અને પાર્ટીઓમાં ગરબા ગાવાનું કામ કરતા વિજય શીવાજી ઠાકોર સાથે પરિચય થયો હતો. યુવતિએ ડાન્સર બનવાની ઈચ્છા હોવાથી તેણી અવારનવાર મોબાઈલ ઉપર વાત કરતાં તેમની વચ્ચે ગાઢ સંબંધો બંધાયા હતા અને એકબીજાને મળતા હતા. તે ગાળામાં તેમની વચ્ચેની અંગતપળોના ફોટા પાડી લીધા હતા. દરમિયાન વિજયે આ યુવતિને ફોટા વાયરલ કરવા તેમજ તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી પાટમ લઈ ગયો હતો. અહીં કોર્ટ બહાર લગ્નના કાગળો ઉપર યુવતિની સહીઓ કરાવી લીધી હતી. ત્યારબાદ ગત ૧ જાન્યુઆરીના રોજ મહેસાણા આવેલી યુવતિને વિજય સહિત ત્રણ શખસો એક રિક્ષામાં બેસાડી પાટણ શહેર તરફ અજાણ્યા સ્થળે લઈ ગયા હતા અને ૧૦ દિવસ તેણીને ગોંધી રાખી વિજયે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે ત્યાંથી રિક્ષામાં બેસાડીને બાલીસણા લઈ જતા હતા તે વખતે ભાગવાનો મોકો મળી જતાં યુવતિ પોલીસ મથકે પહોંચી ગઈ હતી. જેની જાણ પરિવારને થતાં તેઓ દોડી આવ્યા હતા અને યુવતિને પોતાના ઘરે લઈ ગયા હતા. આ ઘટના અંગે મહેસાણા એડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ આરંભી છે.

(5:48 pm IST)