Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સુરતના વેસુમાં વ્હેલી સવારે એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર ગઠીયાનો પ્લાન અસફળ થયો:એલાર્મ સિસ્ટમ સ્ટાર્ટ થઇ જતા હોબાળો મચી જવા પામ્યો

સુરત: શહેરના વેસુના એવલોંસ ધ બિઝનેસ હબમાં આવેલા ઇન્ડિયન બેંકના એટીએમમાં આજે વ્હેલી સવારે ત્રાટકેલા તસ્કરોએ એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. એટીએમ સેન્ટરમાં લગાવવામાં આવેલી એલાર્મ સિસ્ટમ થકી બેંક સત્તાધીશોને જાણ થતા તેઓ તુરંત જ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

વેસુ બીગબજાર નજીક એવલોંસ ધ બિઝનેશ હબના ગ્રાઉન્ડ ફલોરમાં ઇન્ડિયન બેંકની શાખા આવેલી છે અને બાજુમાં બેંકનું એટીએમ સેન્ટર પણ છે. આ એટીએમ સેન્ટરમાં આજે વ્હેલી સવારે 3.40 કલાકે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ કેશ સ્ટોરેજનો દરવાજો તોડવાનો પ્રયાસ કરતા વેંત એટીએમ સેન્ટરમાં લગાવવામાં આવેલી એલાર્મ સિસ્ટમ સ્ટાર્ટ થઇ ગઇ હતી અને તેનો મેસેજ બેંકના આસીસટન્ટ મેનેજર વિકાસકુમાર કિરણરાજ રાવ (રહે. ભુમિ કોમ્પ્લેક્ષઅડાજણ) ને એલાર્મ કોલ આવ્યો હતો. જેમાં ઇન્ડિયન બેંક વેસુ શાખામાં લુંટ થઇ રહેલ છે કૃપ્યા મદદ કરો તેવો સિસ્ટમ કોલ આવતા વેંત વિકાસે બ્રાંચની નજીક રહેતા મેનેજર એસ. શ્રીનિવાસનને જાણ કરતા તેઓ એટીએમ સેન્ટર ખાતે ઘસી ગયા હતા અને પોલીસ કંટ્રોલ રૃમમાં જાણ કરતા તુરંત ઉમરા પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે એટીએમ સેન્ટરની ચકાસણી કરતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેમાં બે ચોર કોઇક સાધન વડે એટીએમ મશીનનો દરવાજો તોડવાનો પ્રયાસ કરતા વેંત એલાર્મ સિસ્ટમ સ્ટાર્ટ થઇ જતા તેઓ ભાગી ગયા હતા. ઘટના અંગે ઉમરા પોલીસે ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(5:46 pm IST)