Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

રાજયસભા પહેલા કોંગ્રેસ ફરી તૂટે તેવી સંભાવના

અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે રાજકીય ધડાકા-ભડાકાના એંધાણ : કોંગ્રેસના એક ડઝન ધારાસભ્યો તરફ નજર : પૂર્વ કોંગી નેતાઓને જવાબદારી સોંપાયાના નિર્દેશ

ગાંધીનગર, તા. ર૧ : ગુજરાતમાં ફરીથી નબળી પડેલી કોંગ્રેસને ભાજપના નેતાઓની નજર લાગી છે. કોંગ્રેસમાંથી ઓછામાં ઓછા ૧૨ ધારાસભ્યો ખેરવવાની ભાજપની યોજના છે જેને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. પાર્ટીના એક સદસ્યએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓની તાકાત હોય તો તેમના ધારાસભ્યોને ભાજપમાં જતાં બચાવી લે, અન્યથા તેઓ કેસરિયો ધારણ કરવા જઇ રહ્યાં છે.

જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા પછી કેન્દ્રની મોદી સરકારના પગલાંને કોંગ્રેસના આગેવાનો આવકારી રહ્યાં છે તે જોતાં ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્યોની નજર ભાજપ તરફ સરકી છે. વિપક્ષના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવા સંકેત મળ્યા છે. રાજયમાં ૨૬જ્રાક માર્ચે રાજયસભાની ખાલી પડનારી ચાર બેઠકોની ચૂંટણી થવાની છે ત્યારે તે પહેલાં ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવે તો નવાઇ પામવા જેવું નથી.

કોંગ્રેસમાંથી આવેલા ત્રણ મંત્રીઓને પાર્ટીએ જવાબદારી આપી છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા. જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂતને ભાજપના હાઇકમાન્ડે જવાબદારી સોપી હોવાનું જાણવા મળ્યું છે.

રાજયસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાય તેવી સંભાવના છે. કોંગ્રેસનું હાઇકમાન્ડ તેના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ રાજયોના સંગઠનમાં ફેરફાર કરી શકતું નથી તેથી અકળાયેલા કોંગ્રેસના આઠ થી દસ ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ જાય તેવી અટકળો સચિવાલયમાં વહેતી થઇ છે.

કોંગ્રેસના ધારાસભ્યોના ભાજપ તરફ વધતી જતા કદમ પ્રદેશ કોંગ્રેસમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. કોંગ્રેસના એક ડઝન ધારાસભ્યો એવા છે કે તેઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ શકે છે. આ ધારાસભ્યો એવું માને છે કે અમને મંત્રી નહીં બનાવે તો કંઇ નહીં પરંતુ ભાજપના સિમ્બોલ સાથે અમને સચિવાલયમાં પ્રવેશવાનો મોકો મળશે અને અમારા કામો થશે.

કોંગ્રેસના એક નારાજ ધારાસભ્યએ કહ્યું હતું કે રાજયમાં કોંગ્રેસનું સંગઠન અસ્તાચળ ભણી છે. ગુજરાતમાં કોંગ્રેસ કયારેય ઉભી થઇ શકવાની નથી. કોંગ્રેસ પાસે છેલ્લા ૨૮ વર્ષથી સત્ત્।ા નથી અને ૨૦૨૨દ્ગફ્રત્ન ભાવિ પણ અંધકારમય લાગે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યારથી જ ૨૦૨૪ લોકસભાની તૈયારી શરૂ કરી છે ત્યારે કેન્દ્રમાં પણ કોંગ્રેસની સરકાર આવી શકે તેમ નથી. આ સંજોગોમાં કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાય તેમાં ખોટું નથી.

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ત્રણ સભ્યો કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને કેબિનેટ મંત્રી બનાવ્યા છે ત્યારે તેઓ અમારા કામો કરી રહ્યાં છે તેવું અન્ય એક ધારાસભ્યએ કહ્યું હતું. તેમણે કહ્યું કે અમે ભાજપમાં હોઇશું તો અમારા કામો થશે, વિપક્ષમાં બેસીને અમે કંઇ કરી શકીએ તેમ નથી, કારણ કે કોંગ્રેસના સંગઠનના નેતાઓને ધારાસભ્યોની પડી નથી. મોવડીમંડળ પણ આંખ બંધ કરીને બેઠું છે. કર્ણાટકની સરકાર ગુમાવવા પાછળનું કારણ પણ કોંગ્રેસના નેતાઓ છે. જક્કી અને જડ વલણના કારણે કોંગ્રેસે તેના શાસનમાંથી એક રાજય ઓછું કર્યું છે.

ગુજરાતમાં રાજયસભાની ચૂંટણીમાં હાલના સંખ્યાબળને જોતાં ભાજપને બે અને કોંગ્રેસને બે બેઠકો મળે તેમ છે. ભાજપની સભ્યસંખ્યા ૧૦૩ છે અને કોંગ્રેસના સભ્યોની સંખ્યા ૭૨ છે. કોંગ્રેસના આઠ કે દસ ધારાસભ્યો ક્રોસ વોટીંગ કરે તો ભાજપને ત્રણ અને કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળે તેમ છે. ભાજપના કેન્દ્રીય મંત્રી અમિત શાહની પ્રેરણાથી ગુજરાતમાં રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ક્રોસવોટીંગ થવાનો મોટો ભય ઉભો થયો છે, જો કે એ પહેલાં કોંગ્રેસની સભ્યસંખ્યા દ્યટાડી દેવામાં આવે તો ભાજપની સ્ટેટજી સફળ થાય તેમ છે તેથી ભાજપના મોવડીઓની નજર કોંગ્રેસના ધારાસભ્યો પર ઠરેલી છે.

(11:40 am IST)