Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

બનાસકાંઠા- ખેડા જિલ્લામાં ૫૭ ટકાથી વધુ મતદાન થયુ

બે જિલ્લા પંચાયતો. ૧૭ તાલુકા પંચાયત ચૂંટણી પૂર્ણ : બનાસકાંઠા, ખેડા, ગાંધીનગર તાલુકા પંચાયતનું સરેરાશ ૬૨ ટકા મતદાન ,૧૭ તાલુકા પંચાયતમાં સારુ મતદાન

બનાસકાંઠા- ખેડા જિલ્લામાં ૫૭ ટકાથી વધુ મતદાન થયુ

અમદાવાદ,તા. ૨૧ : રાજયની બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયતોની અને ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી આજે ભારે ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાઇ હતી. શાંતિપૂર્ણ માહોલમાં બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતનું મતદાન સંપન્ન થયું હતું. ગ્રામ્ય વિસ્તારના મતદારોએ જો કે, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણી જેટલો ઉત્સાહ દાખવ્યો ન હતો પરંતુ એકંદરે સરેરાશ મતદાન નોંધાયું હતું. બનાસકાંઠા જિલ્લા પંચાયતનું સાંજે ચાર વાગ્યા સુધી સરેરાશ મતદાન ૫૬.૮૭ ટકા અને ખેડા જિલ્લા પંચાયતનું સરેરાશ મતદાન ૪૬.૧૨  ટકા જેટલું નોંધાયું હતું. આમ, આ બંને જિલ્લા પંચાયતનું સરેરાશ મતદાન ૫૨.૭૧  ટકા નોંધાયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીનુ અંતિમ મતદાન ૫૭ ટકાની આસપાસ નોંધાયાનો અંદાજ છે. આ જ પ્રકારે ખેડા, ગાંધીનગર અને બનાસકાંઠા એ ત્રણેય તાલુકા પંચાયતનું મતદાન અનુક્રમે ૬૨.૭૫ ટકા, ૬૨.૯૯ ટકા અને ૫૭.૩૫ ટકા નોંધાયું હતું. આ ત્રણેય તાલુકા પંચાયતનું સરેરાશ મતદાન જોઇએ તો, ૫૮.૨૭ ટકા નોંધાયું હતું. જે સાંજે પાંચ વાગ્યા સુધીના અંતિમ મતદાનમાં ૬૨ ટકાની આસપાસ નોંધાયાનો અંદાજ છે. આ ચૂંટણીઓનું પરિણામ હવે તા.૨૩મી ફેબ્રુઆરીએ જાહેર થશે.

   આ અંગે રાજયના મુખ્ય ચૂંટણી સચિવ મહેશભાઇ જોષી, મદદનીશ ચૂંટણી અધિકારી વી.એમ.પટેલે જણાવ્યું હતું કે, આજે રાજયની બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયત અને કુલ ૧૭ તાલુકા પંચાયતો માટેની ચૂંટણી યોજાઇ હતી, જે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના નોંધાઇ ન હતી. જે ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી તેમાં બનાસકાંઠા, ગાંધીનગર અને ખેડા તાલુકા પંચાયત ઉપરાંત બનાસકાંઠા જિલ્લા પંચાયત હેઠળ આવતી ૧૪ તાલુકા પંચાયતો વડગામ, સૂઇ, ભાભર, વાવ, લાખાણી, દાંતીવાડા, પાલનપુર, કાંકરેજ, થરાદ, દાંતા, અમીરગઢ, ડીસા, દિયોદર અને ધાનેરા તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયત માટે ભાજપ અને કોંગ્રેસના ૬૫-૬૫ ઉમેદવારો વચ્ચે જંગ રહ્યો હતો તો, ખેડા જિલ્લા પંચાયત માટે આ બંને પક્ષના ૪૪-૪૪ ઉમેદવારો વચ્ચે હોડ જામી હતી. બનાસકાંઠા, ગાંધીનગર અને ખેડા તાલુકા પંચાયત માટે કુલ ૩૪૩ બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. આ ત્રણ તાલુકા પંચાયતોની સાત બેઠકો અગાઉ બિનહરીફ થઇ છે. આ જ પ્રકારે બનાસકાંઠા જિલ્લા પંચાયત માટે ૬૫ બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી, તેમાં એક બેઠક અગાઉ બિનહરીફ થઇ હતી. તો ખેડા જિલ્લા પંચાયતની ૪૪ બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં કઠલાલ તાલુકા પંચાયતની ૨૪ અને કપડવંજ તાલુકા પંચાયતની ૨૬ બેઠકો માટે મતદાન યોજાયું              રાજયના મુખ્ય ચૂંટણી સચિવ મહેશભાઇ જોષી અને મદદનીશ ચૂંટણી અધિકારી વી.એમ.પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ તા.૨૩મી ફેબ્રુઆરીએ જાહેર કરાશે. આજની ચૂંટણીમાં મતદારો દ્વારા મતાધિકાર માટે ઇવીએમનો ઉપયોગ કરાયો હતો.

રાજયના કુલ ૨૩૧૬ મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ૧૧,૫૮૦ પોલીંગ સ્ટાફ ફરજ પર તૈનાત રહ્યો હતો. મતદાન મથકો પર આશરે અઢી હજારથી વધુ સુરક્ષા જવાનો ફરજમાં તૈનાત રખાયા હતા. તંત્રના અસરકારક પ્રયાસોને પગલે આજે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

(8:21 pm IST)
  • પશ્ચિમ બંગાળઃ આરએસએસ સંચાલિત ૧૨૫ સ્કૂલો બંધ કરવાની નોટીસ :સરકારે આરએસએઅસ દ્વારા સંચાલિત ૧૨૫ સ્કૂલો બંધ કરવા નોટીસ ફટકારી : રાજ્યના શિક્ષા મંત્રી પાર્થ ચેટર્જીએ જણાવ્યું કે, તે સ્કૂલોને હિંસા શિખવા દેશે નહીં: ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાર્થ ચેટર્જી કેટલાક આરએસએસ સમર્થિત સ્કૂલો ઉપર ધાર્મિક અસહિષ્ણુતા ફેલાવવાનો આરોપ પણ લગાવી ચુકયા છે access_time 4:07 pm IST

  • પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં નીરવ મોદીની કંપનીનાં અધિકારીઓ વિપુલ અંબાણી, કવિતા મનકિકર, અર્જુન પાટીલ, કપિલ ખન્ડેલવાલ અને નીતિન શાહીની ધરપકડ access_time 9:16 am IST

  • અરવલ્લી જીલ્લાના ઉપપ્રમુખ કિર્તી પટેલે આપ્યુ રાજીનામુ : કામનું વધુ હોવાથી આપ્યુ રાજીનામુ access_time 12:51 pm IST