Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

આઇસીએઆઇ અમદાવાદ બ્રાંચ રચનાત્મક કાર્યો કરશે

આસીએઆઇ અમદાવાદ બ્રાંચના હોદ્દેદારો ચૂંટાયા : ચેરમને તરીકે સીએ નીરવ ચોક્સી, વાઇસ ચેરમેન તરીકે સીએ ગણેશ નાદર, સેક્રેટરી તરીકે ફેનીલ શાહ નિમાયા

અમદાવાદ,તા. ૨૧ : ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા(આઇસીએઆઇ)ની ડબલ્યુઆઇઆરસીની અમદાવાદ બ્રાંચના વર્ષ ૨૦૧૮-૧૯ માટે નવા હોદ્દેદારો ચૂંટાઇ આવ્યા છે. જેમાં ચેરમેન તરીકે સીએ નીરવ ચોક્સી, વાઇસ ચેરમેન તરીકે સીએ ગણેશ નાદર, સેક્રેટરી તરીકે ફેનીલ શાહ અને ટ્રેઝરર તરીકે બિશન શાહ ચૂંટાઇ આવ્યા છે. અમદાવાદ બ્રાંચના ચેરમેન સીએ નીરવ ચોક્સીએ નવો હોદ્દો ગ્રહણ કર્યા બાદ આશાવાદ વ્યકત કર્યો હતો કે, આઇસીએઆઇની અમદાવાદ બ્રાંચ દ્વારા આ વર્ષે સીએ મેમ્બર્સના નોલેજ અપગ્રેડેશન, સ્ટુડન્ટ્સને પ્રોફેશનલ તકો પૂરી પાડવા સહિતની પ્રવૃત્તિઓની સાથે સાથે સંસ્થા સામાજિક દ્રષ્ટિકોણથી કંઇક અલગ જ રચનાત્મક કાર્યો કરશે. જેમાં જરૂરિયાતંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાયથી લઇ સામાજિક સેવાનો સમાવેશ થાય છે.

   નવા ચેરમેન સીએ નીરવ ચોકસીએ વધુમાં જણાવ્યું હતું કે, સને ૧૯૬૨માં સ્થપાયેલી અમદાવાદ બ્રાંચ આઇસીએઆઇની ભારતમાં ૯૫૦૦થી વધુ સભ્યો સાથેની બીજા નંબરની સૌથી મોટી બ્રાંચ છે. તેમણે એક વર્ષ સુધી તેમના કાર્યકાળ દરમ્યાન સીએ ફેકલ્ટી અને ફિલ્ડ માટે વિશેષ વીઝન ડોકયુમેન્ટ તૈયાર કરવાની જાહેરાત કરી હતી. જેમાં સીએ મેમ્બર્સને બદલાતા કાયદા અને ફેરફારોનું નોલેજ અપગ્રેડેશન, ફ્રેશ સીએને પ્રોફેશનલ તક પૂરી પાડવા, વિદ્યાર્થીઓ માટે કેરીએર ઓરિએન્ટેડ માર્ગદર્શન અને તાલીમ, આર્ટિકલશીપ ટ્રેનીંગ, મેમ્બર્સ માટેની નેશનલ કોન્ફરન્સ અને આવી જ સ્ટુડન્ટ્સ માટેની પણ કોન્ફરન્સ સહિતના આયોજનો હાથ ધરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ વખતે અમદાવાદ સામાજિક સેવા અને સમાજને કંઇ વળતુ પરત કરવાના ઉમદા આશયથી અલગ પ્રકારના રચનાત્મક કાર્યો પણ કરશે. જેમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ વારંવાર ફેલ થવા છતાં સીએ કલીયર નથી કરી શકતા તેવા વિદ્યાર્થીઓને ખાસ તાલીમ આપી નિષ્ણાત એકાઉન્ટન્ટ બનાવી તેમને રોજગાર અપાવવાનું અનોખુ અભિયાન પણ હાથ ધરાશે.

 તેમણે સભ્યો અને વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસ સિધ્ધ કરવાની લાગણી વ્યકત કરી હતી. સાથે સાથે મેનેજીંગ કમીટીના સભ્યો અને સાથીઓ પ્રત્યે ૨૦૧૮-૧૯ના વર્ષ માટે બ્રાંચના ચેરમેન તરીકે તેમનામાં વિશ્વાસ મૂકવા બદલ સીએ નીરવ ચોક્સીએ કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી હતી.

(8:20 pm IST)