Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીકરણનો ત્રીજો દિવસ : અત્યારસુધીમાં 273 હેલ્થકેર વર્કરોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો

કોરોના રસીની આડઅસરનો એક પણ કેસ નોંધાયો નથી

અમદાવાદ : સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદમાં પણ વિવિધ કેન્દ્રો પર રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે એશીયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે રસીકરણના ત્રીજા દિવસે હેલ્થ કેર વર્કરોમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગુજરાતની સંવેદનશીલ સરકાર રાજ્યના સમસ્ત ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સહિત તમામ નાગરિકોને કોરોના સામે રક્ષણ મેળવવાની રસી આપીને અભય સુરક્ષાકવચ પ્રદાન કરવા માટે કૃતસંકલ્પ છે, તેવા સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલના વધુમાં વધુ સ્ટાફ એકજૂથ થઇને ઉત્સાહભેર રસી લઇને સરકારના સંકલ્પને ચરિતાર્થ કરવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
16 મી  જાન્યુઆરીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં સિનીયર તબીબો, જે-તે વિભાગના વડા, નર્સિંગ સ્ટાફ, સફાઇ કર્મીઓ, પેરામેડિકલ સ્ટાફમાં કોરોના રસીકરણ માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અત્યાર સુધીમાં 273 હેલ્થકેર વર્કરોએ કોરોનાની રસી લીધી છે અને એક પણ આડ અસરનો કેસ નોંધાયેલ નથી.
આજે 100 હેલ્થકેર વર્કરોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો જેમાં 59 પુરુષો અને 41 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આજે વેક્સિનનો ડોઝ લીધેલ હેલ્થકેર વર્કરોમાં 78 તબીબો, 15 નર્સિંગ સ્ટાફ, 7 જેટલા અન્ય સ્ટાફ જેમાં સીક્યુરીટી કર્મચારીઓ અને સફાઇકર્મીઓનો સમાવેશ થાય છે.

(6:11 pm IST)