Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી પહેલા ફટકોઃ વડોદરા ભાજપના જિલ્લા ઉપપ્રમુખ ગોપાલસિંહ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયાઃ અવગણના થતી હોવાનો આક્ષેપ

વડોદરા: રાજ્યમાં ટુંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વડોદરા ભાજપને મોટો ફટકો પડ્યો છે. વડોદરા ભાજપના જિલ્લા ઉપ પ્રમુખ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. વડોદરા ભાજપના ઉપ પ્રમુખ ગોપાલસિંહ કોંગ્રેસમાં જોડાયા છે. ગોપાલસિંહે ભાજપમાં અવગણના થતી હોવાનો આરોપ પણ લગાવ્યો છે.

ઉત્તર ગુજરાત ભાજપમાં પણ ભડકો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મુખ્ય બન્ને પક્ષ વચ્ચે ખેચતાણ જોવા મળી રહી છે. હારીજ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી બળવંતજી ઠાકોર સહિત 50 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. પાટણ જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ થયુ છે. જિલ્લા પંચાયતની વાઘેલ બેઠક પર હવે ખરાખરીનો જંગ જોવા મળશે.

પાટણ જિલ્લા કોંગ્રેસમાં પણ ગાબડુ પડ્યુ છે. ભાજપના સન્માન સમારંભ કાર્યક્રમાં દૂધ સાગર ડેરીના વાઇસ ચેરમેન અમૃત દેસાઇ, ઉદ્યોગપતિ નરેશ પટેલ, સંડેર ગામના સરપંચ, લણવા ગામના કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે.

ફેબ્રુઆરી મહિનાના અંતમાં યોજાઇ શકે છે ચૂંટણી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં યોજાઇ શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય છોટુ વસાવાની પાર્ટી BTP, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે.

(5:28 pm IST)