Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

બોગસ ડિગ્રી બનાવીને લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરનાર તબીબ સુરતના પાંડેસરામાંથી ઝડપાયોઃ અત્‍યાર સુધીમાં અનેક લોકોને દવા આપી હતી

સુરત: સુરતના પાંડેસરા સ્થિત આવેલી બાલાજી નગર સોસાયટી પાસે આર્શીવાદ ક્લીનિ ચલાવતા બોગસ તબીબને એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડ્યો છે. તેની પાસે કોઈ ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં તેણે બોગસ ડિગ્રી બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે ક્લિનીકમાંથી દવા, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીની ટીમે આરોપી ડોક્ટરની ધરપડક કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એસઓજી પોલીસને બાતમી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં આવેલી બાલાજી નગર સોસાયટી પાસે એક વ્યક્તિ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છે. બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે હેલ્થ સેન્ટરના ડો. અશોક ત્રિવેદી, ચીફ સેનેટરી ઇન્સ્પેકટર અજીતસિંહ પરમાર તથા સબ સેનેટરી ઇન્સ્પેકટર દિનેશભાઈ ડોડીયા સાથે દરોડો પાડ્યા હતા. જ્યાં આશીવાર્દ ક્લિનીક ચલાવતો ડો. નિલેશ સત્યનારાયણ તિવારી ઝડપાઈ ગયો હતો.

પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેની પાસે કોઈ ડોક્ટરની ડિગ્રી મળી ન હતી. સાથે તેની પાસે તે અંગેના કોઈ પુરાવા પણ ન હતા. ફેક ડોક્ટર નિલેશ તિવારીએ કોઈ જગ્યાએથી બોગસ ડોક્ટરની ડિગ્રી મેળવી હતી. તેમજ પોતાના નામનું ડોક્ટર તરીકેનું પ્રેક્ટિસ કરવા માટેનુ બનાવટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ બનાવડાવ્યં હતું. જેના આધારે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. તેમજ અમદાવાદ ખાતે નોંધણી કર્યા અંગેનુ બનાવટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ તેની ક્લીનિકમાંથી મળી આવ્યું હતું. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી.

એસઓજી પોલીસે તેની ક્લિનીકમાંથી બોગસ ડિગ્રી, દવા, ઇન્જેક્શન અને ડોક્ટરના ઉપકરણો મળી કુલ 15 હજારની મત્તા કબજે કરી હતી. તેમજ તેને આ બનાવટી ડિગ્રી તથા રજિસ્ટ્રેશન સર્ટી બનાવી આપનાર એક ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:38 pm IST)