Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

આણંદ નજીક પેટ્રોલપંપના કર્મચારીને ચપ્પુ બતાવી 17 હજાર લૂંટી ફરાર થઇ જનાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ:જિલ્લાના પેટલાદ તાલુકાની બાંધણી ચોકડીથી રવિપુરા ચોકડી તરફ જવાના માર્ગ ઉપર આવેલ એક પેટ્રોલપંપ ખાતે ગઈકાલ મધ્યરાત્રિના સુમારે દ્વિચક્રી વાહનો ઉપર આવી ચઢેલ આઠ જેટલા શખ્શોએ પેટ્રોલપંપના કર્મચારીને ચપ્પુ બતાવી ઈજાઓ પહોંચાડી રૂા.૧૭ હજારની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. 

પેટલાદ તાલુકાના બાંધણી ગામે ભાથીજી મંદિર પાસે રહેતા મહેશભાઈ ઉર્ફે જીગો બચુભાઈ પરમાર બાંધણી ચોકડીથી રવિપુરા ચોકડી રોડ ઉપર આવેલ સાંઈ પેટ્રોલ પંપ ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી ફરજ બજાવે છે. ગઈકાલ રાત્રિના સુમારે મહેશ ઉર્ફે જીગો અને અન્ય એક કર્મચારી પેટ્રોલપંપ ખાતે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે મધ્યરાત્રિના લગભગ દોઢેક વાગ્યાની આસપાસના સુમારે બાંધણી ચોકડી નજીકથી ચાર અલગ-અલગ દ્વિચક્રી વાહનો ઉપર સવાર થઈ આઠ શખ્શો પેટ્રોલપંપ ખાતે આવી ચઢ્યા હતા. આ શખ્શો પૈકી એક વ્યક્તિએ એક્ટીવા સ્કુટરમાં રૂા.૧૦૦નું પેટ્રોલ પુરાવ્યું હતું અને તેઓ ગુજરાતી ભાષામાં વડોદરા તરફ જવાની વાતો કરતા હતા. દરમ્યાન એક્ટીવા ઉપર સવાર શખ્શોએ પોતાનું એક્ટીવા પેટ્રોલપંપના એક ખૂણા ઉપર ઉભુ રાખ્યું હતું અને થોડીવાર બાદ આ આઠ પૈકીના બે શખ્શો મોઢા ઉપર રૂમાલ બાંધી પેટ્રોલપંપ ખાતે પલંગ ઉપર બેઠેલ મહેશ ઉર્ફે જીગા પરમાર પાસે આવ્યા હતા અને અચાનક ચપ્પુ બતાવી ધમકી આપી હતી. સાથે સાથે આ બે શખ્શોએ મહેશભાઈને હાથમાં ચપ્પુ મારી ઈજાઓ પહોંચાડી ખિસ્સામાંથી બળજબરીપૂર્વક રૂા.૧૭૧૮૦ રોકડા કાઢી લઈ આણંદ તરફ ભાગી છુટયા હતા. બીજી તરફ મધ્યરાત્રિના સુમારે બનેલ આ ઘટનાને પગલે હેબતાઈ ગયેલ મહેશભાઈએ તુરંત જ પેટ્રોલપંપના માલિકને ફોન કરી જાણ કરતા તેઓ પેટ્રોલપંપ ખાતે દોડી આવ્યા હતા. દરમ્યાન તેઓએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર જિલ્લાના તમામ માર્ગો ઉપર નાકાબંધી કરી દીધી હતી. જો કે વહેલી સવાર સુધી લૂંટારાઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ બનાવ અંગે મહેળાવ પોલીસે મહેશભાઈ ઉર્ફે જીગો બચુભાઈ પરમારની ફરિયાદના આધારે આઠ લૂટારું શખ્શો સામે ગુનો નોંધાયો છે.

(5:10 pm IST)