Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ફાટક મુકત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ : નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મઝાદર ખાતે અંદાજે રૂા. ૩૧ કરોડના ખર્ચે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રીજનું ઇ-લોકાર્પણ: ગુજરાત આગામી ત્રણ-ચાર વર્ષમાં ફાટક મુક્ત રાજ્ય બની જશે જે સમગ્ર દેશમાં પ્રથમ ફાટક મુક્ત રાજ્ય હશે

અમદાવાદ :નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને યાતાયાતની સુવિધાઓમાં સહેજપણ અગવડ ન પડે સાથે સાથે સમય અને ઇંધણની બચત થાય એવા આશય સાથે ફાટક મુક્ત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આગામી ત્રણ-ચાર વર્ષમાં જ સમગ્ર ગુજરાત ફાટક મુક્ત રાજ્ય બની જશે જે દેશભરમાં પ્રથમ ફાટક મુકત રાજ્ય તરીકે ઓળખાશે. આ જ સંકલ્પને સાકાર કરવાની દિશામાં વધુ એક કદમ આગળ વધી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મઝાદર ખાતે રૂા. ૩૧ કરોડના ખર્ચે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રીજનું ઇ-લોકાર્પણ કરાયું હતું.        
આજે ગાંધીનગર ખાતેથી ઇ-લોકાર્પણ કરતાં નાયબ મુખ્ય મંત્રી પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર રેલ્વે ઓવરબ્રીજના નિર્માણ માટે આગળ વધી રહી છે ત્યારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ૪ જેટલા રેલ્વે ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે. જે આગામી સમયમાં પૂર્ણ  કરાશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૩૧ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ મઝાદર ફાટકના નિર્માણથી આસપાસના નાગરિકોની અવર-જવરની સુવિધામાં પણ ચોક્કસથી વધારો થશે.       
 તેમણે ઉમેર્યું કે, ઓવરબ્રીજની સાથે સાથે રસ્તાઓનું નેટવર્ક વધારવા તથા હયાત રસ્તાઓના રીકાર્પેર્ટીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. જે મુજબ પ્રત્યેક વિધાનસભા દીઠ રૂા.૫૦ કરોડના ખર્ચે સાત વર્ષથી વધુ જૂના રસ્તાઓને રીકાર્પેટીંગ કરવામાં આવી રહ્યા છે. એ જ રીતે પ્રત્યેક વિધાનસભા દીઠ રૂા. ૧૦ કરોડના ખર્ચે નોનપ્લાન રસ્તાઓ પણ મંજૂર કરાયા છે. જેનો લાભ પણ ટૂંક સમયમાં નાગરિકોને મળતો થઇ જશે.        
તેમણે ઉમેર્યું કે, ખેડૂતોને સહાયરૂપ થવા માટે વડાપ્રધાનએ ખેડૂત કિસાન સન્માનનિધિ યોજના હેઠળ ર૫ ડિસેમ્બરે રાજ્યના તમામ ખેડૂતોના ખાતામાં પ્રથમ હપ્તો જમા કરાવી દીધો છે. એ જ રીતે મા યોજના, મા-વાત્સલ્ય યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યના ૪ કરોડથી વધુ લોકોને આવરી લેવાયા છે. આમ, વડાપ્રધાનના ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ના મંત્રને ચરિતાર્થ કરીને રાજ્યના નાગરિકોને વધુને વધુ વિકાસ કામો થકી સુવિધાઓ પૂરી પડાશે.        
આ પ્રસંગે ગાંધીનગર ખાતે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વડગામ ખાતે સ્થાનિક પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(9:18 am IST)
  • અર્નવ ગોસ્વામીએ રાહુલ ગાંધીને ટેલીવીઝન ઉપર ૧૨૧ લાઈવ ડીબેટ માટે ચેલેન્જ કરી રાહુલ ગાંધીએ તેના ઉપર કરેલા આક્ષેપો સાબિત કરી આપે નહિં તો અદાલતમાં તેના અને કોગ્રેસ પક્ષ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરશે access_time 5:35 pm IST

  • દેશની ચારેય ટોચની તપાસનીશ સંસ્થાઓને એક છત્ર હેઠળ લાવવા કસરત શરૃ : મોદી સરકાર ગંભીર રીતે દેશની ટોચની તમામ તપાસનીશ સંસ્થાઓને એક જ વડાના આધિપત્ય નીચે લાવવા ગંભીરતાથી વિચારી રહી છે જેમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ), ડીઆરઆઈ (ડાયરેકટર ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ), ડીઓડબલ્યુ (ઈકોનોમીક ઓફેન્સ વિંગ) અને એફએસઆઈઓ (સીરીયસ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન ઓફીસ) આ તમામને એક જ છત્ર નીચે અને એક જ અધિકારીના વડપણ હેઠળ લાવવા મોદી સરકાર માગે છે : આગામી ૧લી ફેબ્રુઆરીના કેન્દ્રીય બજેટમાં અથવા તો તેના પછી જાહેરાત થઈ શકે તેમ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે. access_time 3:32 pm IST

  • તાંડવના નિર્માતા અને કલાકારો વિરૂદ્ધ મુંબઈના ઘાટકોપરમાં એફઆઈઆર દાખલ : મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમા તાંડવ વેબસીરીઝના નિર્માતાઓ અને કલાકારો વિરૂદ્ધ આઈપીસી કલમ ૧૫૩-એ, ૨૯૫-એ અને ૫૦૫-૨ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે access_time 5:09 pm IST