Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

બોરસદ તાલુકાના ખેડાસા નજીક દૂધ મંડળીમાંથી 33.42લાખથી વધુ રકમની ઉચાપત કરનાર ચેરમેન સહીત ડિરેકટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

બોરસદ:તાલુકાના ખેડાસા ગામે આવેલી દૂધ મંડળીમાંથી ૩૩.૪૨ લાખ ઉપરાંતની કાયમી ઉચાપતનો કિસ્સો પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના ઓડિટરે ચેરમેન, વાઈ. ચેરમેન, માજી સેક્રેટરી, હાલના સેક્રેટરી સહિત ડિરેક્ટરો વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ઉચાપતનો ગુનો દાખલ કરીને તપાસનો દોર હાથ ધર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા ખેડાસા દૂધ મંડળીનું ગત તારીખ ૧-૧૦-૧૮થી તારીખ ૩૦-૬-૧૯ સુધી ઓડીટ કરવામાં આવ્યું હતુ. જેમાં માજી સેક્રેટરી મનુભાઈ ચંદુભાઈ સોલંકી દ્વારા કુલ ૩૩,૪૨,૯૮૦.૩૭ રૂા.ની કાયમી ઉચાપત કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું હતુ. મનુભાઈનું ગત તારીખ ૫-૬-૧૯ના રોજ માર્ગ અકસ્માતમાં મોત થયું હતુ. મંડળીની તારીખ ૩૦-૬-૧૯ની વ્યવસ્થાપક કમિટીના ઠરાવ નંબર ૨થી તારીખ ૫-૬-૧૯ સુધીના બાકી લેણાની જવાબદારી માજી સેક્રેટરી મનુભાઈ ચંદુભાઈ સોલંકીની નક્કી કરવામાં આવી હતી. ઓડિટરે આપેલા અહેવાલ અનુસાર મંડળીની વ્યવસ્થાપક કમિટીએ પેટા નિયમ મુજબની પોતાની ફરજો નહીં બજાવવાને કારણે તેમજ ફરજમાં બેદરકારી દાખવી હોય આટલી મોટી નાણાંકી ગેરરીતી થવા પામી હોવાનું જણાવ્યું હતુ.

(5:24 pm IST)