Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

માર્ચ મહિના સુધીમાં ભરતીની તમામ કાર્યવાહી પૂર્ણ કરવાની માંગણી સાથે હવે ટાટના ઉમેદવારો સરકાર સામે મેદાનમાં

ગાંધીનગરઃ સરકાર સામે અલગ અલગ પ્રકારનાં આંદોલનો સિલસિલો ગાંધીનગરમાં યથાવત જોવા મળી રહ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટેના ટાટના ઉમેદવારો પોતાની માંગો સાથે સત્યાગ્રહ છાવણીમાં ધરણા યોજી રહ્યા છે. સત્યાગ્રહ છાવણી ખાતે પોતાની માંગો માટે વિધ્નહર્તા હવન પણ કરશે.

સરકારે શિક્ષણ સહાયકોની ભરતી સરકાર દ્રારા ધોરણ  9, 10 11 અને 12 માટે પાડી હતી. જેના ફોર્મ ભરાઈ ગયા હોવાં છતાંય હજુ સુધી ભરતી પ્રક્રિયા અટવાયેલી છે. જેમાં જલદી ભરતી પ્રક્રિયા થાય અને માર્ચ મહિના સુધીમાં ભરતીની તમામ કાર્યવાહી પૂર્ણ થાય તે માંગ સાથે ટાટના ઉમેદવારો મેદાને ઉતર્યા છે. આ ઉપરાંત ગ્રાન્ટેડ સ્કૂલોમાં પણ જલદી ભરતી પ્રક્રિયા થાય તે માટે ટાટના ઉમેદવારો સરકાર સમક્ષ રજુઆત કરશે. ધોરણ 11 અને 12 ઉચ્ચતર માધ્યમિક 557 જગ્યા ખાલી છે. સરકારી માધ્યમિક 1239 જગ્યા સરકાર દ્રારા બહાર પડાઈ હતી. જોકે આ ભરતી પ્રક્રિયાની કામગીરી માત્ર 25 ટકા જ પૂર્ણ થઇ છે.

બે મહિના અગાઉ શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી કે ટાટ પાસ વિદ્યાર્થીઓ માટે જાહેરાત પડશે તેમ છતાં છતાં કોઈ જાહેરાત આવી નથી. ટાટ પાસ વિદ્યાર્થીઓએ રાજ્ય સરકારને આપ્યું અલ્ટીમેટમ ફેબ્રુઆરી મહિનાની 11 તારીખ સુધીમાં તો જાહેરાત નહીં પડે તો ગાંધીનગરમાં આંદોલનની શરૂઆત કરશે આ આંદોલનમાં ટાટ પાસ મહિલાઓ પણ જોડાઈ છે. લાંબા સમયથી કોઈ જ પ્રકારની ભરતી ની જાહેરાત નહીં આવતા વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માધ્યમિક કક્ષાના શિક્ષક માટેની ટાટ પરીક્ષા પોણા બે લાખથી વધુ વિદ્યાર્થીઓએ પાસ કરી છે.

અત્રે નોંધનીય છે કે ગઇકાલે (સોમવારે) ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારોએ ગાંધીનગર ખાતે દેખાવો કરી ધરણા યોજ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારોને પ્રાથમિક સ્કૂલમાં ભરતી કરવા માટે રાજ્ય સરકારે નવેમ્બર, 2019 સુધીમાં ભરતી કરવાની ખાતરી આપી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ ભરતી ન કરાતા ઉમેદવારોએ સોમવારે સવારે ગાંધીનગર ખાતે દેખાવ કર્યો હતો.

ટેટ-1 અને ટેટ-2ના આશરે 49 હજાર વિદ્યાર્થીઓ બેરોજગાર છે. ખાલી જગ્યાઓ હોવા છતાં સરકાર સમયસર ભરતી કરતી નથી તેવું ઉમેદવારોનું કહેવું છે. આખરે સરકાર વહેલી તકે ભરતી કરે તે માટે ગાંધીનગરમાં ધરણાં કરવાનું નક્કી કરાયું છે.

(4:55 pm IST)