Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

રાજપીપળા એસટી ડેપોમાં ફ્રી વાઇફાઇ ઝોનના પાટિયા શોભાના ગાંઠિયા સમાન.?! :વારંવાર વાઇફાઇ બંધ રહેતા ઓનલાઇન બુકીંગ સહિતની તકલીફની બુમ

કર્મચારીઓ પોતાના મોબાઈલનું નેટ વાપરી ગાડું ગબડાવતા હોવાની વાત: ઓનલાઇન સિસ્ટમ લાગુ કરાવવા મથામણ વચચે દેશમાં સર્વર બાબતેની વારંવાર તકલીફમાં ઓનલાઈનનું સુરસુરીયું :જોકે ડેપોમાં વાઇફાઇ શરૂ થતાં રોજ સાંજે જ્યાં કાગડા ઉડતા હતા ત્યાં આ ડેપોમાં યુવાનોની મફત વાઇફાઇ વાપરવા ભારે ભીડ જામે છે

(ભરત શાહ દ્વારા)   રાજપીપળા : નર્મદા જિલ્લાના એક માત્ર મોટા ગણાતા રાજપીપળા એસટી ડેપોમાં પીવાના પાણીની તકલીફ બાદ હવે વાઇફાઇ બંધ થતાં ઓનલાઇન સિસ્ટમ અટવાઈ પડી હોવાની પણ બુમ સંભળાઈ છે.

  રાજપીપળા એસટી ડેપોમાં લગભગ ચારેક દિવસથી વાઇફાઇ સિસ્ટમ બંધ થઈ હોવાથી નેટવર્ક થી કાર્યરત બુકીંગ સહિતની એસટીની સેવાઓ અટવાઈ પડી છે જોકે અમુક વખત હાજર કર્મચારીઓ પોતાના મોબાઈલ ના નેટ વડે અટકેલી કામગીરી પૂર્ણ કરતા હશે પરંતુ ડેપો માં ઠેર ઠેર લગાવેલા ફ્રી વાઇફાઇ ઝોનના પાટિયા હાલ શોભાના ગાંઠિયા સમાન લાગી રહ્યા છે.સરકાર તમામ જગ્યાઓ પર ઓનલાઇન સિસ્ટમ લાગુ કરવા મથામણ કરે છે પરંતુ વારંવાર સર્વરની રામાયણમાં રેશનકાર્ડ,બેંક કે ઓનલાઇનની દરેક બાબતો સર્વર ખોટકાતા શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહી હોય વિદેશી અનુકરણ કરતા પહેલા સરકારે આવી બાબતોનું ખાસ ધ્યાન રાખી આમ જનતાને તકલીફ ન પડે એ માટે ખાસ આયોજન કરવું જરૂરી છે.

લાઈટો બંધ રહેતા તકલીફ ઊભી થઈ છે :ડેપો મેનેજર

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ચાર પાંચ દિવસ થી વાઇફાઇ બંધ છે જ્યારે આ બાબતે ડેપો મેનેજરનું કહેવું છે કે બે દિવસથી વીજ પુરવઠો બંધ થતા વાઇફાઇ બંધ હતું બાકી કોઈ તકલીફ નથી.

(2:51 pm IST)