Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ટ્રાફિક નિયમનના ભંગ બદલ અસહય રકમનો લાભ લઇ લોકો પાસેથી નાણા ખંખેરવાના કારસાનો એસીબી દ્વારા પર્દાફાશ

દંડની રકમ બારોબાર ઘરભેગી થતી હતીઃ અમદાવાદમાં ૪ લાંચના છટકામાં સપડાયા : જાગૃત નાગરીકોની મદદથી રાજયભરમાં ટ્રાફીક બ્રાન્ચોના કટકીબાજ સ્ટાફોને સપડાવા અભિયાન થશે

રાજકોટ, તા., ૨૧: ગુજરાતમાં ટ્રાફીક નિયમોના કડક અમલ માટે દેશના અન્ય રાજયોની માફક દંડની રકમમાં સરકારે અસહય વધારો કર્યાના પગલે પગલે રાજયભરની ટ્રાફીક શાખાના ચોક્કસ સ્ટાફને બારોબાર પૈસા લઇ જવા દેવાના વધતા જતા  બનાવો તથા ટ્રાફીક બ્રાન્ચોના ચોક્કસ સ્ટાફ દ્વારા લાંચના ભાવમાં કરેલ અસહય વધારાની  ફરીયાદો સંદર્ભે એસીબી વડા કેશવકુમાર દ્વારા એક જાગૃત નાગરીકની મદદથી અમદાવાદમાં ડીકોઇ (એસીબી દ્વારા ગોઠવાયેલુ છટકુ) માં ટ્રાફીક શાખાના હેડ કોન્સ્ટેબલ ઉકકડભાઇ વસાવા તથા અન્ય ૩ વચેટીયાને મળી કુલ ૪ શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે. રાજયભરમાં ટ્રાફીક શાખાના ચોક્કસ સ્ટાફને આવા છટકામાં જાગૃત નાગરીકોની મદદથી ઝડપવા માટે એસીબી દ્વારા આ દિશામાં ખાનગી પ્રયાસો ચાલી રહયા છે.

અમદાવાદમાં પાર્કીગના અભાવે લોકો દ્વારા વિવિધ સ્થળોએ થતા પાર્કીગમાં પોલીસ દ્વારા આડેધડ પાર્કીગ થયાની યેનકેન પ્રકારે  એલીબી ઉભી કરી દંડના નામે બારોબાર ઉઘરાવાતી રકમ સંદર્ભે વચેટીયા મારફતે રૂ.૩૦૦ની લાંચ લેવાના આરોપસર એસીબીના મદદનીશ નિયામક કે.સી.ચુડાસમાના માર્ગદર્શનમાં અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.વી.પ્રસાદ દ્વારા આ છટકુ ગોઠવી વચેટીયા મેહુલ પાસેથી ર૦૦ અને વચેટીયા સલીમ પાસેથી ૧૦૦ની મુદામાલની રકમ વસુલ કરેલ છે. આમ ૩૦૦ રૂ. જેવી મામુલી લાંચમાં હેડ કોન્સ્ટેબલ સહીત ૩ વચેટીયા  ઝડપાઇ જતા રમુજ સાથે ચકચાર જાગી છે.

(12:50 pm IST)