Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

કાનની રસી મટતી હોવાથી ભાવિકો કરચલાથી બાધા પૂર્ણ કરે છે

શિવમંદિરમાં ભાવિકોએ ભગવાનને જીવતા કરચલાનો અભિષેક કર્યો

સુરત,તા.૨૧:  ઉમરા વિસ્તારના રામનાથ-ઘેલા મંદિરમાં દર વર્ષની જેમ પોષ એકાદશીએ અહીં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોષી એકાદશીએ ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ - દ્યેલા મંદિરમાં શિવજી પર જીવતા કરચલાથી અભિષેક કરવામાં આવતો હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા જીવતા કરચલા ભગવાન શિવને ચડાવવામાં આવ્યા હતા. ભાવિકોને કાનની રસી મટતી હોવાથી માનતા લેવા અને પૂર્ણ કરવા ભાવિકો સવારથી મંદિરે જીવતા કરચલા લઈને પહોંચી પૂજાઅર્ચના કરી હતી. ભાવિકોની માનતા પૂર્ણ થતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવતા કરચલાની ખરીદી કરીને જીવતા  કરચલાને એક થેલીમાં ભરી ભકતો  મંદિરમાં પ્રવેશ કરે છે. મંદિરમાં રામનાથ  -ઘેલા મહાદેવ પર જીવતા કરચલાનો  અભિષેક કરીને પોતાની માનતા પૂર્ણ  કરતા હોય છે. જીવતા કરચલાનો  અભિષેક કરવા પાછળ લોકવાયકા જોડાયેલી છે. કહેવાય છે ભગવાન રામ વનવાસ દરમ્યાન અહીં રોકાયા હતા. ત્યાર બાદ તેમણે પોતાની કમાનથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજાઅર્ચના શરૂ કરી હતી. બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા, જેથી ભગવાન રામે અહીં પિતૃતર્પણ વિધિ કરવાનો નિર્ણય કર્યો.

(11:26 am IST)