Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સુરતની રઘુવીર સિલિયમ માર્કેટમાં ભયાવહ આગ બેકાબુ : ૩૦૦ કરોડનું નુકસાન

સુરતમાં વધુ એક અગ્નિકાંડ ૧૨ કલાકથી વધુ સમય સુધી ચાલુ : સુરતના પુણા કુંભારીયા રોડ પર રાત્રે ૪ કલાકના સુમારે લાગેલી આગ બપોરે ૩ વાગ્યે પણ ચાલુ : ફાયરબ્રિગેડના ૪૦૦ કર્મચારીઓના અથાગ પ્રયાસો વામળા પુરવાર : કરોડોનો કાપડનો જથ્થો ખાખ : NDRF - CISFની ટીમો બોલાવાઇ : ૭૦ ફાયરબ્રિગેડની ગાડીઓ દ્વારા કાર્યવાહી

સુરતની રઘુવીર સિલિયમ માર્કેટમાં ભયાવહ આગ બેકાબુ : રાજકોટ : સુરતની રઘુવીર સીલીયમ સેન્ટરમાં લાગેલી ભયાવહ આગની તસ્વીર નજરે પડે છે. સુરતની આગમાં કરોડોનું નુકસાન થયાનું અંદાજવામાં આવી રહ્યું છે. ૭૦થી વધુ ગાડીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા છે. (તસ્વીર : પ્રદિપ ગોહિલ, સુરત)

 

રાજકોટ તા. ૨૧ : સુરતમાં આજે વહેલી સવારે વધુ એક અગ્નિકાંડ સર્જાયો છે. જેમાં ૧૨ કલાકથી વધુ સમય થયો છતાં વિકરાળ આગ કાબૂમાં આવી નથી. બપોરે ૩ કલાક સુધીમાં આગ ચાલુ જ છે.

સુરતના પૂણા કુંભારીયા રોડ પર આવેલ રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કપરી સ્થિતિ સર્જાય છે. કાપડના વેપારીઓનો જંગી જથ્થો આ માર્કેટમાં હોય અંદાજે ૩૦૦ કરોડથી વધુનું નુકસાન થયાનું અંદાજ માંડવામાં આવી રહ્યો છે. આગને કાબૂમાં લેવા એનડીઆરએફ અને સીઆઇએસએફની મદદ લેવામાં આવી રહી છે.

શહેરનાં પુણા કુંભારીયા રોડ પર આવેલા રઘુવીર સિલિયમ માર્કેટમાં મળસ્કે ચાર વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. થોડા જ કલાકોમાં આ આગ બિલ્ડિંગમાં નીચેથી ઉપરનાં માળ સુધી પ્રસરી ગઇ હતી. માર્કેટમાં આવેલી તમામ દુકોનોને આગે ઝપેટમાં લીધી છે. મળતી માહિતી પ્રમાણે આ આગને કારણે આશરે ૩૦૦ કરોડ રૂપિયાનું કાપડ બળીને ખાખ થઇ ગયું છે. ત્યારે આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ પ્રાથમિક તારણને આધારે આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે હાલ જાનહાનિના કોઇ અહેવાલ નથી.

આ આગ એટલી વિકરાળ હતી કે, તેને બુઝાવવા માટે શહેર અને આસપાસનાં નગરપાલિકાનાં તમામ ફાયર ફાઇટરને બોલાવી લેવામાં આવ્યાં હતાં. આને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ૫૭થી વધુ ટીમો અને ૪૦૦ ફાયરનાં કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા.  ફાયરનાં તમામ કર્મીઓને અહીં બોલાવી લેવામાં આવ્યાં હતાં. આ સાથે NDRF અને CISF સાથે રિલાયન્સ ક્રિભકો NTPC. L&T કંપનીનાં ફાયરની મદદ લેવામાં આવી છે.

બિલ્ડિંગ સીલ કરવામાં આવશેસુડાના ચેરમેને બંધાનિધિ પાનીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ આગ સવારે ચાર વાગે લાગી હતી. કુંભારિયા ગામમાં આવેલા રધુવીર માર્કેટમાં આગ લાગી છે. થોડા દિવસ પહેલા આ બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ત્યારે ફાયર વિભાગે સૂચના આપી હતી પરંતુ આ લોકોએ સૂચનાનું પાલન નથી કર્યું. તેથી બિલ્ડિંગ  યુઝને સંપૂર્ણપણે રદ કરવામાં આવશે અને જયાર સુધી આ બિલ્ડિંગમાં ફાયર કંટ્રોલ સિસ્ટમ વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી કાયદાકીય કાર્યવાહી કરીને સીલ કરવામાં આવશે. માલિક વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે, પુણા કુંભારીયા રોડ પર આવેલા રઘુવીર માર્કેટ ખાતે બિલ્ડરો પાસેથી દુકાનો ખરીદી અથવા તો ભાડે રાખનારા વેપારીઓ દ્વારા માર્કેટમાં પોતાની દુકાનોમાં ગેરકાયદેસર રીતે લાકડાનાં દાદરો બનાવાયા હતા. સાથો સાથ ગેરકાયદેસર રીતે અનેક વસ્તુઓનું નિર્માણ કર્યું હતુ. જેના કારણે આગ પર કાબુ મેળવવામાં ફાયરના લાશ્કરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

ફાયર બ્રિગેડનાં અધિકારી સાથે આ અંગે વાત કરતા જણાવ્યું કે, 'શહેરની તમામ ફાયરની ગાડીઓ અહીં બોલાવવામાં આવી છે. તમામ ફાયર સ્ટેશનનાં બધા જ કર્મચારીઓને પણ બોલાવી દેવામાં આવ્યાં છે. આ આગ સાતમાં માળથી ૧૩માં માળ સુધી પ્રસરી ગઇ છે. એલિવેશનનાં કારણે અંદર જઇ નથી શકાતું અને બિલ્ડિંગની બનાવટ એવી છે જેના કારણે સ્મોક લોક થઇ ગયું છે. હજી આ આગ પર કુલિંગ સાથે કાબુ મેળવતા હજી ૨૪ કલાક લાગી શકે છે.'સુરતના રઘુવીર સિલિયમ માર્કેટમાં રાતે ૩ વાગે ભીષણ આગ લાગી હતી જે ધીરે ધીરે વિકરાળ બની હતી ૭૦થી વધુ ફાયર વિભાગની ગાડીઓ, ૪ હાઈડ્રોલિક ફાયર ફાઈટર અને ૩ હાઈડ્રોલિક ફુવારાની મદદથી આગ બુઝાવવાની પ્રયાસો થઈ રહ્યા છે. ચોથા અને પાંચમા માળે હજુ પણ આગ ચાલુ છે. આ માર્કેટમાં ૮૦૦થી વધુ દુકાનો આવેલી છે. અત્યાર સુધીમાં રૂ. ૩૦ કરોડથી વધુનું નુકસાન થઈ ચુકયુ હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ગ્રાઉન્ડ, પ્રથમ અને બીજો માળ બળીને ખાખ થઈ ચૂકયો છે.

આ માર્કેટ સુરત મનપાની હદ બહાર આવ્યું છે. માર્કેટની એ-વિંગમાં આગ લાગી છે. ત્રણ વિંગમાં ૮૦૦ દુકાન, એ-વિંગમાં અંદાજીત ૧૨૦ દુકાન છે. ૭૦ ટકા દુકાનોમાં કાપડનો માલ ભરેલો છે. અંદાજિત ૩૦૦ કરોડથી વધુનું નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

ફાયરની ૭૦થી વધુ ગાડીઓની મદદ લેવાઈ છે. ૨ બુમ બ્રાઉઝર, ૪ હાઈડ્રોલિક ફાયર ફાઈટર વડે કામગીરી હાથધરાઈ છે. ૩ હાઈડ્રોલિક ફૂવારાથી આગ બૂઝાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ૩ હાઇડ્રોલિક પ્લેટફોર્મ સહિત સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાખો લીટર પાણી આગને કાબૂમાં લેવા માટે વપરાયું છે.

વેંટીલેશનના અભાવે આગ વિકરાળ બની છે. એલિવેશનના કારણે ફાયરની ટીમને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. બાંધકામની મંજૂરી SUDA દ્વારા આપવામાં આવી હતી. એ.બી.વાઘણી રઘુવિર સિલિયમ માર્કેટના આર્કિટેકટ છે. રઘુવીર ડેવલોપર્સ દ્વારા માર્કેટ બનાવવામાં આવી છે.

(3:35 pm IST)