Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ઈડરિયા ગઢ પર યોજાઈ આરોહણ-અવરોહણની સ્પર્ધા

ભાવનગર અને બોટાદથી પણ સ્પર્ધકો આવ્યા : આ સ્પર્ધામાં ૩૩૧ જેટલા યુવક - યુવતીઓએ ભાગ લીધો

 

ઇડર : ગરવા ગઢ ગીરનાર પર જ યોજાતી આરોહણ-અવરોહણની સ્પર્ધા  સાબરકાંઠા જિલ્લાના ઈડરિયા ગઢ પર યોજાઈ હતી. પ્રથમ વાર જ ઇડર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ભાગ લેવા માત્ર સાબરકાંઠા કે અરવલ્લી જ નહીં પણ ભાવનગર અને બોટાદથી પણ સ્પર્ધકો ઉમટી પડ્યા હતા.

   ગુજરાત સરકારના રમત-ગમત અને યુવા સંસ્કૃતિક વિભાગ દ્વારા ઈડરિયા ગઢ પર સૌ પ્રથમ વખત આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. અત્યાર સુધી ગિરનાર પર યોજાતી આ સ્પર્ધા આ વખતે ઇડરીયા ગઢ પર પણ યોજાઈ. ત્યારે આ સ્પર્ધામાં ૩૩૧ જેટલા યુવક - યુવતીઓએ હોંશભેર ભાગ લીધો હતો, અને ઈડરિયો ગઢ જીતવા દોડ લગાવી હતી.

   ગઢ પર યોજાયેલી આ સ્પર્ધામાં ગઢના ૬૯૯ પગથિયા ઝડપથી ચડનાર ૧૦ સ્પર્ધકો માટે ૨૫૦૦થી ૧૨૫૦૦નું ઇનામ રાખવામાં આવ્યું. જો કે ઈડરિયો ગઢ સર કરવા આવેલા સ્પર્ધકોમાં ઇનામ કરતા વધુ જીજ્ઞાસા ગઢને આંબવાની જોવા મળી હતી.

  સાબરકાંઠા જિલ્લા કલેકટરે પણ જીતેલા સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. ઈડરિયા ગઢ પ્રત્યેનું આકર્ષણ માત્ર સાબરકાંઠાનાં જ લોકોમાં નહી પણ ગુજરાતના તમામ લોકોમાં છે. ગઢ પર થઇ રહેલું ખનન બંધ થયા બાદ હવે ગુજરાતના લોકો ગઢ, તેના સ્થાપત્યો, તેનો ગૌરવવંતો ઈતિહાસ જાણી-માણી શકે તે માટે આ પ્રયાસ કરાયા હતા, જેને સ્થાનિકોએ પણ આવકાર્યો હતો.

(8:48 am IST)