Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સાવધાનઃ લાયસન્સ વગરનાને ટ્રક ચલાવવા આપનાર માલીકને આકરો દંડ

૪રનો ભોગ લેનાર ભાવનગરના રંઘોળા નજીકના અકસ્માતની ઘટનામાં ચુકાદો : ૪ર લાશો જોઇ ડીવાયએસપી પિયુષ પીરોજીયા થોડીવાર અપસેટ થયા બાદ તલસ્પર્શી કરેલી તપાસની ઉપર સુધી નોંધ લેવાઇ

રાજકોટ, તા., ૨૧: ભાવનગર પંથકના રંઘોળા ગામ પાસે બે વર્ષ અગાઉ પાલીતાણાના અનિડાથી બોટાદના ટાટમ ગામે જઇ રહેલી  જાનને રંઘોળા નજીક નીપજેલ ગંભીર અને અરેરાટી મચાવનાર અકસ્માત કે જેમાં ૪ર થી વધુ લોકોના મોત નિપજયા હતા. તેવા ચકચારી મામલામાં ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ટ્રક ચાલક નિતીન લાલજીભાઇ વાઘેલાને પાંચ વર્ષની કેદ તથા ટ્રક માલીક પરેશ કુવાડીયાને બે વર્ષની જેલ અને ર૪ હજાર રૂપીયા દંડ ફટકારવામા આવ્યો છે.

રાજયભરમાં ચર્ચાસ્પદ બનેલ આ બનાવમાં  સમગ્ર મામલાની તલસ્પર્શી અને ઉંડાણપૂર્વકની તપાસ હાલના રાજકોટ રેલ્વેના વિભાગીય પોલીસ વડા અને તત્કાલીન પાલીતાણાના ડીવાયએસપી પીયુષ પીરોજીયા દ્રારા કરવામાં આવી હતી.એક તબક્કે તો આટલી બધી લાશના ઢગલા જોઇ પિયુષ પીરોજીયા પણ હેબતાઇ ગયા હતા. આમ છતા પોતાની ફરજને પ્રાધાન્ય આપી જે રીતે આવડી મોટી ઘટનાની તપાસ કરી તેની ખુબ  જ નોંધ લેવામાં આવી છે. ટ્રક માલીકને ટ્રક ડ્રાઇવર પાસે લાયસન્સ ન હોવા છતાં ટ્રક આપવા માટે દાખલારૂપ સજા થઇ છે. આ તમામ માટે ધડો લેવા જેવી ઘટના છે.

(11:51 am IST)