Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયેલ કમોસમી વર્ષા

કમોસમી વરસાદથી ખેડુતોમાં ચિંતાનું મોજુ ફેલાયું: જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, ગાંધીધામ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ : ખેડુતો ચિંતાતૂર

અમદાવાદ, તા.૨૧: ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે આજે ફરી એકવાર ખેડુતો અને સામાન્ય લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. કચ્છના પૂર્વ વિસ્તારમાં સવારથી જ વાતાવરણમાં એકાએક પલ્ટો આવવાની ઘટના સપાટી પર આવી હતી. કચ્છ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વરસાદ પડ્યો હતો. જેમાં જાનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠાનો પણ સમાવેશ થાય છે. આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો. ગાંધીધામમાં પણ વરસાદ પડ્યો હતો. મળેલી માહિતી મુજબ કચ્છના પૂર્વ વિસ્તારમાં સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વરસાદની શરૂઆત થઈ હતી. આશેર અડધો કલાક સુધી કચ્છના પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કચ્છ સહિત જામનગરમાં પણ સવારથી જ વરસાદી વાદળ ઘેરાઈ ગયા હતા. બપોરના સમયે ૩૦ મિનિટ સુધી વરસાદ પડ્યો હતો. જેથી મોટાભાગના રસ્તા પર વરસાદી પાણી જોવા મળ્યા હતા. હાઈવે ઉપર વાહનોને વરસાદના કારણે તકલીફ પડી હતી. બીજી બાજુ કમોસમી માવઠુ થવાના કારણે ખેડુતોને મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું છે. ખેડુતોને જીરૂ અને શિયાળા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. આ પ્રકારના કમોસમી વરસાદના કારણે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. પોરબંદરમાં પણ વરસાદી માવઠુ જોવા મળતા ખેડુત સમુદાય ચિંતાતુર છે. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં વરસાદ થયો છે. જોકે અમદાવાદમાં સામાન્ય વાતાવરણ રહ્યું હતું. લઘુત્તમ તાપમાન આવતીકાલે અમદાવાદમાં ૧૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આજે અમદાવાદમાં પારો ૧૨.૭ ડિગ્રી રહ્યો હતો. દિલ્હી અને એનસીઆરમાં વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાની સીધી અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૨૩ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે પરંતુ ત્યારબાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્ય વરસાદી ઝાપટા જારી રહી શકે છે. મળેલી માહિતી મુજબ આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સાઈક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે. જેની અસર આજે દેખાઈ હતી. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. જેમાં મોરબી, વાંકાનેર, ટંકારા, ખંભાળીયા, ઓખા, મીઠાપુરમાં પણ કમોસમી વરસાદ થયો હતો. બીજી બાજુ કચ્છના અંજારમાં પણ વરસાદ થયો હતો. આ વારસાદી માહોલના કારણે ફરી એકવાર ઠંડા પવનો ફુંકાવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં પણ તેની અસર જોવા મળે તેવી શક્યતા છે.

(9:51 pm IST)