Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

સુરતના જોઇન્‍ટ પોલીસ કમિશ્‍નર હરેકૃષ્‍ણ પટેલે પાટીદાર સમાજના સભ્યોને પોતાના સંતાનોને ગેરકાયદે કાર્યોથી દૂર રાખવા વિનંતી કરી પાસના યુવા નેતાઓ અંગે વિવાદાસ્‍પદ ટિપ્પણી કરીઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ

સુરત: ભાવનગર જિલ્લાના જેસર મહુવા તાલુકાના પાટીદાર સમાજે 6 જાન્યુઆરીના રોજ સુરતના સીમાડા વિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં સુરતના જોઇન્‍ટ પોલીસ કમિશ્નર હરેકૃષ્ણ પટેલે કરેલા ભાષણનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જેસીપી પટેલે કહ્યું કે, અન્ય સમાજોમાં પાટીદારો પ્રત્યે સમ્માન ઘટ્યું છે. હરેકૃષ્ણ પટેલે વીડિયોમાં કહ્યું, “સમાજમાં 200 જેટલા યુવા નેતાઓની સ્થિતિ અફઘાનિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં પ્રોક્સીવોર લડી રહેલા લોકો જેવી છે. આ યુવાનો બેરોજગાર છે અને રાજકીય મનછા ધરાવતા લોકોના પેઈડ એજન્ટ બન્યા છે.”

હરેકૃષ્ણ પટેલે વીડિયોમાં કહ્યું, “હું કાર્યક્રમમાં મોડો પહોંચ્યો કારણકે રંગરેલીયા મનાવતો હતો. આ હું તમને એટલા માટે કહું છું કારણકે કોઈ સોશિયલ મીડિયા પર આ મૂકે અને તમે તેને સાચું માનો તેના બદલે હું જ સામેથી જણાવી દઉં.” શહેર પોલીસે રાજદ્રોહ કેસમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી તેના થોડા દિવસ પહેલા અલ્પેશે પ્રેસ કોન્ફરંસ સંબોધી હતી જેમાં જેસીપી પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ વાત ટાંકીને જેસીપી કાર્યક્રમમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.

તાજેતરમાં મધ્યપ્રદેશમાં કુરમી પટેલ સમાજની મીટિંગ યોજાઈ હતી જેમાં દેશભરમાંથી સમાજના સભ્યો હાજર રહ્યા. આ મીટિંગમાં થયેલી ચર્ચા વિશે જણાવતાં હરેકૃષ્ણ પટેલે કહ્યું કે, ‘દેશભરના પટેલોને ગુજરાતના પટેલો માટે માન છે. તેમ છતાં યુવા પાટીદાર નેતાનો વાણી-વિલાસ જોતાં કોઈપણ વ્યક્તિ પોતાની દીકરી પાટીદારોને નહીં આપે.’ વરાછા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ કથીરિયાએ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો તેને ટાંકીને હરેકૃષ્ણ પટેલે આ વાત કહી.

જેસીપી પટેલે પાટીદાર સમાજના સભ્યોને પોતાના સંતાનોને ગેરકાયદે કાર્યોથી દૂર રાખવા વિનંતી કરી. પોલીસ ઓફિસરે પાટીદાર મહિલાઓને PAASના કોઈપણ આંદોલનને સમર્થન ન આપવા માટે સમજાવી. પાસ નેતા ધાર્મિક માલવિયાએ વીડિયો વિશે ટિપ્પણી કરતાં જણાવ્યું, “વીડિયો પરથી સ્પષ્ટ થયું છે કે આ IPS ઓફિસર ભાજપનો એજન્ટ છે. આ આંદોલન પોલીસની વિરુદ્ધ હોય તેવું દર્શાવવાનો તેમણે પ્રયાસ કર્યો છે.”

(5:10 pm IST)