Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ભૂતપૂર્વ ધારાસભ્ય બિમલ શાહ કોંગ્રેસમાં સામેલ થયા

લોકસભા ચૂંટણી પહેલાં ભાજપને ફટકો પડ્યો : છેલ્લા ઘણા લાંબા સમયથી આ બંને નેતાઓની ભારોભાર ઉપેક્ષા અને અવગણના થતાં બંને નેતાઓ કોંગ્રેસમાં સામેલ

અમદાવાદ,તા.૨૧ : ભાજપના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ તેમજ બારડોલીના પૂર્વ ધારાસભ્ય અનીલ પટેલ આજે વિધિવત્ રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાઇ ગયા હતા. લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપના બે મોટા માથાઓ કોંગ્રેસમાં જોડાતાં ગુજરાત ભાજપને બહુ મોટો ફટકો પડયો છે કારણે બિમલ શાહ અને અનિલ પટેલ ભાજપના મોટા માથા અને આગળ પડતા રાજકારણી મનાતા હતા પરંતુ છેલ્લા ઘણા લાંબા સમયથી આ બંને નેતાઓની ભારોભાર ઉપેક્ષા અને અવગણના થતાં તેઓમાં ભાજપના નેતૃત્વ અને સંગઠન સામે ભારોભાર નારાજગી અને રોષ પ્રવર્તતા હતા, જેને પગલે આજે આ બંને નેતાઓ આજે વિધિવત્ રીતે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા.

   લોકસભાની ચૂંટણી માટે તૈયારી કરી રહેલી કોંગ્રેસમાં આજે બે પૂર્વ ધારાસભ્યો જોડાતા નવુ બળ મળ્યું છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ તેમજ બારડોલીના પૂર્વ ધારાસભ્ય અનીલ પટેલે આજે રાષ્ટ્રીય ખજાનચી અહેમદ પટેલ અને પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી શરૂ થયેલી ધારાસભ્યોની તડજોડની રાજનીતિ હવે લોકસભાની ચૂંટણી આવતા ફરી સક્રિય થઇ છે. જેમાં કપડવંજના ભાજપના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ કોંગ્રેસમાં જોડાયા હતા, તો તેમની સાથે આજે બારડોલીના પૂર્વ ધારાસભ્ય અનીલ પટેલે પણ કોંગ્રેસમાં જોડાઈ જવાની જાહેરાત કરી હતી. આ બંને પૂર્વ ધારાસભ્યો આજે કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક પછી રાષ્ટ્રીય ખજાનચી અહેમદ પટેલ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા. આ બંને અગ્રણીઓને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા હતા. કોંગ્રેસ પક્ષની આજે યોજાયેલી કારોબારી બેઠકમાં લોકસભાની આગામી ચૂંટણી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાજપના બે મોટા માથાઓ લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં જોડાતાં ભાજપને બહુ મોટો ઝટકો લાગ્યો છે. આ બંને નેતાઓ એક જમાનામાં ભાજપના આગળ પડતા અને મહત્વના નેતાઓ હતા.  પરંતુ ભાજપની કામ પતી ગયા પછી હાંસિયામાં ધકેલી દેવાની નીતિનો ભોગ આ બંને નેતાઓ પણ બન્યા હતા. જેને પગલે પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ અને અનિલ પટેલ આજે કોંગ્રેસની છાવણીમાં જઇને બેસી ગયા હતા. ભાજપમાંથી બે મોટા માથા આવવાથી કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનશે અને લોકસભાની આગામી ચૂંટણીમાં એક નવંુ બળ મળશે તે નક્કી છે.

(8:34 pm IST)