Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

સેન્ટ્રલ વેર હાઉસના કર્મચારી રેખાબેન યાદવનું સ્ત્રીધન બેંક ઓફિસર પતિ સહિતના ઓળવી ગયાની ફરિયાદ

મુળ રાજસ્થાનના મહિલાની બેંકના બ્રાંચ મેનેજર પતિ તેમજ સાસુ, સસરા, નણંદ અને નણદોયા સામે ૧૧,૭૫,૦૦૦નું સ્ત્રીધન ઓળવી ગયાની એ-ડિવીઝનમાં ફરિયાદઃ હાલ અમદાવાદ રહેતાં રેખાબેન રાજકોટ પતિ સાથે રહેતાં હતાં

રાજકોટ તા. ૨૧: હાલ અમદાવાદ પાલડીમાં બેસીલ રેસિડેન્સી ફલેટ નં. ૧૦મા રહેતાં અને અમદાવાદમાં સેન્ટ્રલ વેર હાઉસ કોર્પોરેશનમાં જુનિયર ટેકનીકલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં ડો. રેખાબેન શ્રીરામઅવતાર યાદવ (ઉ.૩૪)એ રાજકોટ એ-ડિવીઝનમાં પોતાના પતિ, સાસુ, સસરા, નણંદ અને નણદોયા સામે કાવત્રુ રચી સ્ત્રીધનની રૂ. ૧૧,૭૫,૦૦૦ની મિલ્કતોનો દુર્વિનીયોગ કરી વિશ્વાસઘાત કરી ઓળવી જવા અંગે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ડોે. રેખાબેનની ફરિયાદ પરથી તેમના પતિ હરિયાણાના ગુડગાંવ ખાતે રહેતાં લલીત રમેશભાઇ યાદવ, સસરા રમેશભાઇ યાદવ, સાસુ કૃષ્ણાબેન યાદવ તથા મુળ પોરબંદર હાલ અમદાવાદ રહેતાં નણંદ નિતુબેન બારૂદુન અને નણદોયા હર્ષિત બારૂદુન સામે આઇપીસી ૧૨૦-બી, ૪૦૬, ૪૦૩, ૧૦૯ મુજબ એક બીજાને ચઢામણી કરી દુષ્પ્રેરણા આપી કાવત્રુ રચી ફરિયાદી રેખાબેનની ગેરહાજરીમાં રાજકોટમાં યુબીઆઇ બેંક ઓફિસર એપાર્ટમેન્ટ કવાર્ટરમાંથી ફરીયાદી રેખાબેનના સ્ત્રીધનની ચીજવસ્તુઓ, ઘરેણા, કપડા, શૈક્ષણીક દસ્તાવેજો, એફડીઆર-૨, રોકડ મળી કુલ રૂ. ૧૧,૭૫,૦૦૦ની મિલ્કતો વિશ્વાસઘાત કરી ઓળવી જવા સબબ ગુનો નોંધ્યો છે.

ડો. રેખાબેન યાદવે એફઆઇઆરમાં જણાવ્યું છે કે તેમના લગ્ન ૧૬/૪/૨૦૧૨ના રોજ રાજસ્થાન અલવર ખાતે લલીત યાદવ સાથે હિન્દુ રીતરીવાજ મુજબ થયા છે. પતિ-પત્નિ અગાઉ રાજકોટ ઓરબીટ ફલોરા યુબીઆઇ બેંક ઓફિસર એપાર્ટમેન્ટ પ્રભુકૃપા હોસ્પિટલ સામે રહેતાં હતાં અને પતિ યુનિયત બેંક ઓફ ઇન્ડિયા માંડવી ચોક શાખામાં બ્રાંચ મેનેજર હતાં. તે વખતે પોતે રાજકોટમાં સેન્ટ્રલ વેર હાઉસીંગ પોપટપરા ખાતે જુનિયર ટેકનીકલ આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતાં હતાં. લગ્ન જીવનના એકાદ મહિના બાદ પતિ દારૂ પીને ઘરે આવતાં તે પોતાને ન ગમતાં તેણે મારકુટ અને ટોર્ચર શરૂકર્યુ હતું. સસરા અન ેસાસુને વાત કરતાં તેઓએ 'તું લલીતને છોડીને જતી કેમ નથી રહેતી?' તેમ કહ્યું હતું. એ પછી નણંદ અને નણદોયા પણ ચઢામણી કરતાં હતાં. નણદોયા હર્ષિલ પંજાબ નેશનલ બેંકમાં નોકરી કરતાં હોઇ તે રેખાબેનના બેંક એકાઉન્ટની માહિતી તેણીના પતિ-સાસુ-સસરાને આપી દેતાં હતાં. એ પછી ૨૦૧૬માં પતિ રાજકોટનું મકાન છોડી તેના ફ્રેન્ડ સાથે રહેવા જતાં રહ્યા હતાં. બાદમાં રેખાબેને તેના માતા-પિતાને બોલાવતાં તેમણે સમજાવતાં બંને ફરીથી સાથે રહેવા માંડ્યા હતાં.

માર્ચ ૨૦૧૮માં રેખાબેન નોકરી પર હતાં ત્યારે પતિ, તેના માતા-પિતા-બહેન-બનેવી સાથે મળી ઘરમાંથી વોશીંગ મશીન, એસી, પંખા, ગેસ સિલીન્ડર, બેડ સહિતનું લઇ ગયા હતાં. આથી રેખાબેને ફરીથી આ ચીજવસ્તુઓ વસાવી હતી. ફલેટની બે ચાવી હતી જેમાં એક રેખાબેન પાસે અને બીજી તેના પતિ પાસે રહેતી હતી. એપ્રિલ ૨૦૧૮માં રેખાબેન પરિક્ષા આપવા જયપુર ગયા હતા. એ પછી નવેમ્બર-૨૦૧૮માં તેમને જાણ થઇ હતી કે પતિએ રાજકોટના મકાનમાંથી સ્ત્રીધનની વસ્તુઓ તથા શૈક્ષણીક દસ્તાવેજો લઇ ગયા છે. તે અમદાવાદના મકાનમાં રાખ્યાનું માનવું છે. પરંતુ ત્યાં આવવાની પણ રેખાબેનને ના પાડી દેવાઇ હતી. ડીસેમ્બર-૨૦૧૮માં તેણી રાજકોટ આવ્યા હતાં ત્યારે પતિએ કવાર્ટર બેંકને સોંપી દીધાની ખબર પડી હતી. એ દરમિયાન રેખાબેનની બદલી પણ અમદાવાદ થતાં ૨૪-ડિસેમ્બર-૧૮થી તેઓ અમદાવાદ નોકરી કરે છે.

પતિ-સાસુ-સસરા-નણંદ અને નણદોયા સ્ત્રીધનની તમામ ચીજવસ્તુઓ તેમજ રોકડ મળી રૂ. ૧૧,૭૫,૦૦૦ની ચીજવસ્તુઓ કાવત્રુ રચી ઓળવી જવાઇ હોવાનો આરોપ ફરિયાદમાં મુકવામાં આવતાં પીએસઆઇ એસ. વી. સાખરા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે. (૧૪.૧૦)

(11:41 am IST)