Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

રાજ્યની તમામ નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં રૂપિયા 1700નો એટલે કે 130 ટકા જેટલો માતબર વધારો

1 લી જુલાઇ 2021થી વધારો આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય:15000 થી વધુ નર્સિંગ કર્મચારીઓને થશે લાભ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની મોટી જાહેરાત

નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યની તમામ નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં રૂપિયા 1700નો એટલે કે, 130 ટકા જેટલો માતબર વધારો કરી રૂપિયા 3000નું નર્સિંગ એલાઉન્સ આગામી તારીખ 1 લી જુલાઇ 2021 થી આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે જેનો લાભ 15000 થી વધુ નર્સિંગ કર્મચારીઓને થશે.

આજે ગાંધીનગર ખાતે યુનાઇટેડ નર્સિંગ ફોરમની માંગણીઓ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, નાણા વિભાગના સચિવ મીલીંદ તોરવણે અને ફોરમના પ્રમુખ દિપકમલ વ્યાસ, સલાહકાર ઇકબાલ કડીવાલા, તેજલ દેસાઇ, મૌલિ સરવૈયા, જ્યોત્સનાબેન ચૌધરી, જયેશ અંધારીયા, ટ્વીંકલ ગોહીલ, વિક્રમ પટેલ તથા આરતી પરમાર સહિતના પ્રતિનિધિઓ સાથે યોજાયેલ બેઠકમાં ફોરમનાં પ્રશ્નો સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા થઇ હતી ફોરમના પ્રતિનિધિઓએ એલાઉન્સ વધારા સહિતના અન્ય પ્રશ્નોના નિકાલ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના નાગરિકોને ત્વરિત આરોગ્ય સવલતો મળી રહે અને આરોગ્ય વિભાગમાં વધુ માનવબળ જોડાય તે માટે 2000 જેટલી સ્ટાફ નર્સોની ભરતી કરવાની મંજૂરી આરોગ્ય વિભાગ દ્વારા આપી દેવાઇ છે જેની પરીક્ષા આગામી 20 મી જુન, 2021 ના રોજ જી.ટી.યુ. દ્વારા લેવાનાર છે. પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ તમામ વહીવટી કામગીરી પૂર્ણ કરી સત્વરે આદેશો કરવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે, યુનાઇટેડ નર્સિંગ ફોરમ દ્વારા બઢતી-બદલી સહિતના અન્ય પ્રશ્નો અંગે પણ રાજ્ય સરકાર હકારાત્મક અભિગમ થકી સત્વરે નિર્ણય લેશે

(8:10 pm IST)