Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ચાઇનીઝ એપથી કરોડોની છેતરપીંડી : તપાસનો રેલો સુરત પહોંચ્યો: બે શખ્શો ઝડપાયા : 520 કરોડના કૌભાંડનો દાવો

સુરતમાં બોગસ કંપની બનાવી લોકો પાસેથી પૈસા પડાવ્યા : બંને આરોપીને બેગલુરુ પોલીસને હવાલે કરાયા

સુરત :દેશભરમાં પાવર બેન્ક અને ચાઇનીઝ એપ ઇઝ્ડ પ્લાનથી લાખો લોકો સાથે કરોડોની છેતરપિંડીનો રેલો સુરત સુધી પહોંચ્યો છે સાયબર ક્રાઇમ સેલે બે આરોપી ઝડપ્યા છે,સાથે કૌભાંડની રકમ 520 કરોડ થઇ હોવાનો દાવો કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ પાવર બેન્ક અને ઇઝ્ડ પ્લાન નામની ચાઇનીઝ એપ દ્વ્રારા છેલ્લા ઘણા સમયથી બેંગલુરુ, દિલ્હી, ઉત્તરાખંડ સહિત ભારત ભરમાં લોકોને છેતરવાનું કૌભાંડ આચરાઇ રહ્યું હતું. રાતો રાત પૈસા કમાવવાની ઘેલછા અને લાલચમાં લાખો લોકો તેમાં ફસાઇ પણ ગયા હતા. જેથી બેંગલુરુમાં સીઆઇડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 420 અને આઇટી એક્ટની કલમ 66 (ડી) હેઠળ ગુનો દાખલ થયો હતો.

 

થોડા દિવસ પહેલાં દિલ્હી સાયબર સેલ ખાતે પકડાયેલા આરોપીઓની પુછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે પાવર બેન્ક અને ઇઝ્ડ પ્લાન નામની ચાઇનીઝ એપથી દેશના લાખો લોકોના ટુંકા ગાળામાં નાણા ડબલ કરવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

સુરત પોલીસ કમિશનર અજય તોમર અને અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલ અને નાયબ પોલીસ કમિશનર રાહુલ પટેલની સુચના હેઠળ પોલીસે કામગીરી હાથ ધરતા જાણવા મળ્યું હતું કે આ એપ થકી આરોપીઓ નાણા ટ્રાન્સફર કરવા માટે બોગસ કંપનીઓ બનાવતા હતા અને પોતાના નામના એકાઉન્ટ રજીસ્ટર્ડ કરાવતા હતા. આ બોગસ કંપનીઓના ખાતામાં નાણા ટ્રાન્સફર લઇ મુખ્ય આરોપીઓને પૈસા મોકલી દેવાતા હતા.

સુરતમાં પણ આવી બોગસ કંપનીઓ ઉભી કરાઇ હતી. જે અંગે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તાપસ હાથ ધરી બે આરોપીઓ વિજય છગન વણઝારા (35) અને જય અશોક પારેખ (30)ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મૂળ દાહોદનો વિજય વણઝારા મગદલ્લા રોડ, સુરતનો રહેવાસી છે. તે ચા-નાસ્તાની લારી ચલાવવાનો ધંધો કરે છે. જ્યારે મૂળ ભાનગરનો જય પારેખ અડજણ સુરતનો રહેવાસી છે. તે એજન્ટ હોવાનું જણાવાયું છે.સુરત ક્રાઇમ સેલે બંને આરોપીઓને બેંગલુરુ સીટી સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે.

આરોપીઓ બોગસ કંપનીઓ બનાવી તેનું ROZOR PAYમાં પેમેન્ટ એગ્રીગેટર તરીકે રજીસ્ટર કરાવતા હતા. પછી તેમાં પોતાના નામના એકાઉન્ટ બનાવી ગેમિંગ, ઇ-કોમર્સ અને સોશિયલ પ્લેટફોર્મ થકી ગુગલ પ્લે સ્ટોરની પાવર બેન્ક એપના માધ્યમથી લોકો પાસે રોકાણ કરાવતા હતા. લોકોને દૈનિક ધોરણે મુદ્લ રકમ પર તગડા વ્યાજની લાલચ આપી રોકાણ કરાવતા હતા. જેમાં આશરે 5 લાખ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી અને આ રકમ 520 કરોડથી વધુ હોવાનું પ્રકાશમાં આવ્યું છે

(7:03 pm IST)