Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

રવિવાર સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગરમીમાં ઘટાડો પણ અસહ્ય બફારાનો અનુભવઃ તાપમાન ૪૦ ડિગ્રીની અંદર રહેશે

રાજકોટઃ રાજયમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે.  વલસાડમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે કપરડા સહિત ઘણા જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તો બીજી બાજુ વાપી અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ત્યારે હવામાન વિભાગે રાજયના અલગ અલગ જિલ્લાઓમાં ચોમાસાની આગાહી આપી છે.

 હવામાન વિભાગે કહ્યું છે કે ૧૩મી જૂન સુધી રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત તથા ભરૂચમાં વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

૧૨ અને ૧૩ જૂનના રોજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદમાં પણ વરસાદની આગાહી જાહેર કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય ભાગો તથા ઉત્તર ગુજરાતમાં આ દરમિયાન હવામાન સામાન્ય રહેશે. બીજી બાજુ વરસાદના આગમનને પગલે અમદાવાદના તાપમાનમાં પણ ઘટાડો થયો છે. જેમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી જેટલું રહેવાની સંભાવના વ્યકત કરાઈ છે.

(11:46 am IST)