Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોનાની કામગીરીથી રાજ્યની પ્રજા સંતુષ્ટ: નાગરિકોની સેવા કરવાને બદલે કોંગ્રેસ હીનકક્ષાની રાજનીતિ કરે છે એ અત્યંત નિંદનીય: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

કોંગ્રેસના નેતા અર્જુનભાઇ મોઢવાડિયાના આક્ષેપોને ફગાવતા નાયબ મુખ્યમંત્રી પટેલ : નાગરિકોના આરોગ્યની હિત માટે ચર્ચા કરવા માટે અમારૂં મન સદાય માટે ખુલ્લું : કોંગ્રેસે ક્યારેય અમને આ માટે સૂચનો કર્યાં નથી કે અમારી પાસે આવી નથી

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, કોરોનાના સંક્રમણથી નાગરિકોને બચાવવા એ અમારી નૈતિક ફરજ છે, એ અમે સુપેરે નિભાવી છે. જેનાથી નાગરિકો સંતુષ્ટ છે એટલા માટે જ તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમને સત્તા સોંપી છે. આના પરિણામે બેબાકળી બનેલી કોંગ્રેસ અને તેના નેતાઓ નાગરિકોના આરોગ્યના સાથે ચેડાં કરવાની વૃત્તિને આગળ ધરીને રાજનીતિ કરવા નીકળેલી કોંગ્રેસને આ શોભતું નથી.

 કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કોરોનાની રાજ્ય સરકારની કામગીરી સંદર્ભે કરેલા આરોપોને ફગાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યું કે, આજે જ્યારે નાગરિકોને સુરક્ષા પુરી પાડવાની જરૂરિયાત છે ત્યારે કોંગ્રેસ વાહિયાત નિવેદન કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે એ અત્યંત નિંદનીય છે. સંક્રમણને રોકવા માટે અમારી સરકાર છેલ્લા એક વર્ષથી સંનિષ્ઠ પ્રયાસો કરી રહી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ પદે રચાયેલી કોર કમિટિની બેઠકો એક પણ રજા રાખ્યા સિવાય છેલ્લા એક વર્ષથી અવિરતપણે મળી રહી છે અને આ બેઠકોમાં અનેક જનહિતકારી નિર્ણયો કર્યા છે જેના પરિણામે કોરોનાના સંક્રમણને અટકાવી શક્યા છીએ.
તેમણે ઉમેર્યું કે આવા કપરાકાળમાં પણ અમે હોસ્પિટલોની રૂબરૂ મુલાકાત લઇને અમે નાગરિકોને મળ્યા છીએ, આજ સુધી એકપણ કોંગ્રેસના નેતા અમારી પાસે આવ્યા નથી અને ચર્ચા કરવા માટે જણાવ્યું નથી. અમારી સરકારનું નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે ચિંતન કરવા મન ખુલ્લું છે.
તેમેણે ઉમેર્યું કે છેલ્લા એક વર્ષથી કોરોનાના સંક્રમણને રોકવા માટે ગુજરાતે જે કામગીરી કરી છે તેનાથી નામદાર હાઇકોર્ટ પણ સંતુષ્ટ છે. WHO એ પણ અમારી કામગીરીને બિરદાવી છે તેમજ નામદાર હાઇકોર્ટ દ્વારા જે જે દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે. તેનો અમે અમલ કરીને રાજય સરકારે નાગરિકોના હિત માટે અનેક નિર્ણયો કર્યા છે જેના પરિણામે સંક્રમણ અટકાવી શક્યા છીએ.
નાયબ મુખ્યમંત્રીએઉમેર્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા અને નાગરિકોને સુરક્ષિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અનેક હિંમતભર્યા નિર્ણયો કર્યા છે. લોકડાઉનનો નિર્ણય પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇએ કર્યો છે અને એ આશીર્વાદરૂપ પુરવાર થયો. લોકડાઉન દરમિયાન નાના-વેપારીઓ અને રોજ કમાઇને ખાતા લોકો માટે 'આત્મનિર્ભર ભારત' પેકેજ આપ્યું એ જ રીતે ગુજરાત સરકારે પણ રૂ.૧૪ હજાર કરોડથી વધુ રકમનું આત્મનિર્ભર પેકેજ જાહેર કરીને આવા નાના વેપારીઓની પડખે ઉભા રહ્યા છીએ એટલે જ, પ્રજાનો વિશ્વાસ અમારી પર ઉત્તરોત્તર વધી રહ્યો છે. વડાપ્રધાનના આ પેકેજની શ્રી મોઢવાડિયાએ મજાક ઉડાવી છે  એને અમે સાંખી લઇશું નહીં. તમારામાં નાગરિકોનું હિત હોય તો કોંગ્રેસ શાસિત રાજ્યમાં કેમ એકેય પેકેજ જાહેર કર્યું નથી. તમારે અમને નહીં પણ તમારા મુખ્યમંત્રીઓને સલાહ આપવાની જરૂર છે.
  નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર કોરોનાના આંકડા છૂપાવે છે તેને વખોડતાં કહ્યું કે, રાજ્યમાં હાલના તબકકે કેસોની સંખ્યા વધી તે વાત સાચી છે પરંતુ, રાજય સરકાર કોઇપણ પ્રકારના આંકડા છુપાવવા માંગતી નથી અને આ માટે દૈનિક ધોરણે પ્રેસના માધ્યમથી તેમજ રાજયની ઓફીસીયલ વેબસાઇટ ઉપર પણ તમામ આંકડાકીય માહિતી પ્રસિધ્ધ કરવામાં આવે છે. એટલું જ નહીં કોવિડ-૧૯ ના નિદાન હેતુ બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. (૧) RTPCR ટેસ્ટ જેના રિઝલ્ટ આવવામાં ૧૨ થી ૨૪ કલાકનો સમય લાગે છે. (ર) એન્ટિજન ટેસ્ટ જેનું ત્વરિત રિઝલ્ટ આવી જાય છે. રાજયમાં હાલની પરિસ્થિતિએ ૪૦,૦૦૦ જેટલા RTPCR ટેસ્ટ અને ૬૦,૦૦૦ જેટલા એન્ટિજન ટેસ્ટ કરવામાં આવે છે. આ પૈકી પોઝીટીવ આવતા તમામ વ્યકિતઓની નોંધણી કરવામાં આવે છે, તેઓને પુરતી સારવાર આપવામાં આવે છે તેમજ આવા પોઝીટીવ વ્યકિતઓના સંપર્કમાં આવેલ વ્યકિતઓને ટ્રેક કરીને નિદાન અને સારવાર પુરી પાડવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે, રાજયમાં સાજા થવાનો દર એક સમયે ૯૮ ટકા સુધી પહોંચ્યો હતો. જે આજે ૯૪ ટકા જેટલો છે. છેલ્લા ૧૫ દિવસમાં રાજયમાં કેસોનું પ્રમાણ વધ્યું છે અને ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર તમામ પોઝીટીવ વ્યકિતઓને ૧૪ દિવસ આઇસોલેશનમાં ગણવાના રહે છે. આથી ગત ૧૫ દિવસમાં જોવા મળેલ પોઝીટીવ કેસોના વધારાવાળા દર્દીઓ આગામી સમયમાં સાજા થશે. જેને પરિણામે પુન: સાજા થવાનો દર ઉંચો જોવા મળશે. વધુમાં આપણે જોઇ શકીએ છીએ રાજયમાં મૃત્યુનો પ્રમાણદર ગત ૧૫ દિવસમાં જોઇએ તો ૦.૪ ટકા જોવા મળેલ છે. જેના પરથી આપણે સમજી શકીએ છીએ કે સાજા થવાનો દર હાલ પણ ૯૯ ટકાથી વધુ છે. 
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના સંક્રમિત નાગરિકોને સારવાર આપવા માટે રાજયમાં ત્રિ-સ્તરીય સુવિધા ઉભી કરવામાં આવી છે એટલે કે કોવિડ કેર સેન્ટર જયાં સામાન્ય લક્ષણોવાળા અથવા તો લક્ષણો વગરના દર્દીઓને સારવાર પુરી પડાય છે. કોવિડ હેલ્થ સેન્ટર જયાં મધ્યમ લક્ષણો ધરાવતા તેમજ સામાન્ય લક્ષણ અને કોઇ અન્ય બિમારી ધરાવતા દર્દીઓને સારવાર પુરી પડાય છે તેમજ કોવિડ હોસ્પિટલ જયાં ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર પુરી પડાય છે. આવા સેન્ટરોમાં હાલની સ્થિતિએ ૫૫,૫૪૯ થી વધુ બેડ ઉપલબ્ધ છે અને આગામી સમયમાં રાજય સરકાર જરૂર જણાય વધુ બેડ ઉપલબ્ધ કરાવી શકશે. વધુમાં, ગત સપ્તાહ દરમ્યાન રાજય સરકારે ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હેલ્થ સેન્ટર અને કોવિડ કેર સેન્ટર માટે માન્યતા આપવાનું નકકી કરેલ છે. જેને અનુલક્ષીને ગત સપ્તાહમાં રાજયમાં ૫,૦૦૦ જેટલા બેડ વિવિધ મહાનગરોમાં ઉમેરાયા છે. અમદાવાદમાં આવેલ ૧૨૦૦ બેડ હોસ્પિટલ એ કોવિડ-૧૯ની સારવારમાં શરૂઆતના તબકકાથી ખુબ જ સારી કામગીરી કરી રહી છે. હાલમાં ત્યાં વધી રહેલા દર્દીઓને ધ્યાનમાં લઇ રાજય સરકારે કિડની ઇન્સ્ટીટયુટ અને યુ.એન.મહેતા હોસ્પિટલમાં પણ વધારાના ૧૦૦૦ બેડ ઉભા કરવાનું નકકી કર્યુ છે. રાજયમાં ૩૪૩૩ વેન્ટીલેટર કોવિડ-૧૯ હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. આમ વેન્ટીલેટરની કોઇ પ્રકારની ઘટ હાલ રાજયમાં નથી અને તમામ દર્દીઓને જરૂર જણાય પુરતી સઘન સારવાર મળી રહે છે.
તેમણે ઉમેર્યું કે, કોરોનાની સારવાર માટે ઉપયોગી એવા રેમડેસિવિર ઈન્જેક્શન દર્દીઓને સત્વરે ઉપલબ્ધ થાય તે માટે  ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજયના તમામ જિલ્લા અને શહેરોમાં રેમડેસિવિર ઈન્જેક્શનોની ઉપલબ્ધી સુનિશ્ચિત કરવામાં આવી છે અને રાજ્ય સરકારે ૩ લાખથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવવા ઓર્ડર પણ આપી દીધો છે અને તેની ડિલીવરી પણ આજથી મળતી થઇ ગઇ છે. કોઇપણ પ્રકારના કાળાબજાર ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે. રાજય સરકાર દ્વારા હોસ્પિટલની ફી ને નિયંત્રિત કરવામાં આવી છે અને આ માટે જરૂરી આદેશો આપી દેવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે, સંક્રમણથી બચવા માટે વેક્સિન મહત્વનું પરિબળ પુરવાર થઇ રહ્યું છે ત્યારે ૪૫ વર્ષથી ઉપરની ઉંમરના લોકોએ વેક્સિનેશન કરાવવું જરૂરી છે. તા.૦૬.૦૪.૨૦૨૧ સુધી રાજયમાં ૭૮,૮૫,૬૩૦ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ૪૫ વર્ષ થી વધુ વયના ૫૯,૬૨,૪૦૨ વ્યકિતઓને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આમ રાજય સરકાર રસીકરણ ક્ષેત્રે ખુબ જ ઉમદા કામગીરી કરી રહી છે.

(7:27 pm IST)