Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

વડોદરાના સાવલી તાલુકામાં વૃદ્ધાની ચેઇન ચમકાવવાના બહાને ત્રણ ગઠિયા નકલી ચેઇન પધરાવી છૂમંતર......

વડોદરા : સાવલી તાલુકાના નટવરનગરમાં એક વૃધ્ધાની સોનાની ચેન ઉજળી કરવાના બહાને ત્રણ ગઠિયા વૃધ્ધાને નકલી ચેન પધરાવી બે તોલાની અસલી સોનાની ચેન તફડાવી ગયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે નટવરનગરમાં ૮૫ વર્ષના કનુબેન છાસટિયા તેમના પતિ રામસિંહ સાથે રહે છે તેમનો પુત્ર વડોદરામાં સ્થાયી થયો છે. ગઇકાલે સવારે વૃધ્ધ દંપતી ઘેર હતું ત્યારે એક બાઇક પર ત્રણ વ્યક્તિ આવી હતી. એક વ્યક્તિ બાઇક પાસે ઉભી રહી હતી જ્યારે અન્ય બે વ્યક્તિઓએ કનુબેન પાસે આવીને કહેલ કે અમારી પાસે વાસણો ઉજળા કરવાનું લિક્વિડ છે, અમો કંપની તરફથી આવીએ છીએ જેટલો માલ વેચીએ તેટલું કમિશન અમને મળતું હોય છે, તમારી પાસે લોટો, વાસણો હોય તો આપો ઉજળા કરી આપીએ.

જો કે કનુબેને ના પાડી તમે જતા રહો તેમ કહેતા બંને શખ્સોએ એક વાટકી કાઢી તેમાં હળદર જેવું પાણી નાંખી કહેલ કે તમારા ગળામાં પહેરેલી સોનાની ચેન આપો ઉજળી કરી આપો. કનુબેન ના પાડવા છતાં બંનેની વાતોમાં આવી જઇ બે તોલા વજનની મેથીભાતની ચેન બંનેને આપી હતી. બંનેએ ચેન વાટકીમાં નાંખી થોડા સમય બાદ તમારી ચેન ધોવાઇ ગઇ છે તેમ કહી વાટકી આપી બંને જતા રહ્યા હતાં. કનુબેને બાદમાં વાટકીમાં જોતા અસલી સોનાની ચેનના બદલે નકલી ચેનના ત્રણ ટૂકડા જણાયા હતાં.

(5:54 pm IST)