Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

આજથી હાઈકોર્ટમાં મર્યાદીત કેસોની સુનાવણી જ થશેઃ પાંચ શહેરોમાં ઓનલાઈન કાર્યવાહી

જીલ્લા અદાલતોમાં ૫૦ ટકા સ્ટાફથી કાર્યવાહી કરવા સૂચનાઃ સવારે બે કલાક અને બપોરે બે કલાક કાર્યવાહી કરવા નિર્દેશઃ ૩૦મી એપ્રિલ સુધી અમલવારી કરવા રાજ્યની કોર્ટોને હાઈકોર્ટે સરકયુલર મોકલ્યોઃ તા. ૭ થી ૧૬ સુધી અપાયેલ સ્ટેના હુકમો ૩૦ એપ્રિલ સુધી લંબાવાયાઃ કોરોનાના કેસોમાં ઉછાળો આવતા હાઈકોર્ટનો નિર્ણય

અમદાવાદ, તા. ૭ :. કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિના કારણે ખૂબ અરજન્ટ કેસોનું જ ફાઈલિંગ કરવાનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હવે મર્યાદિત કેસોની સુનાવણી થશે. અગાઉ નિશ્ચિત થયેલી તારીખોના રોજ સુનાવણી નહીં યોજાય તેમજ કોઈ પક્ષકાર અરજન્ટ સુનાવણી કરવા ઈચ્છે તો તે અંગે મેન્શનિંગ કરવાનું રહેશે.

હાઈકોર્ટ દ્વારા આજે જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે ખૂબ અરજન્ટ હોય તેવા કેસોનું જ ફાઈલિંગ કરવામાં આવશે. આ ઉપરાંત સાતમી એપ્રિલનું જાહેર થયેલુ કોઝલિસ્ટ રદ કરવામાં આવે છે. હવે ૪૮ કલાક અગાઉની જગ્યાએ આગલા દિવસે કોઝલિસ્ટ જાહેર કરવામાં આવશે.

કેસોને અગાઉ જે તારીખો અપાઈ હતી તે જ તારીખોએ કેસનું લિસ્ટીંગ નહી થાય. જો આ કેસોમાં તાત્કાલિક સુનાવણીની જરૂર હોય તો તે અંગે મેન્શનિંગ કરવાનું રહેશે. આ ઉપરાંત જે કેસોમાં સ્ટે અને વચગાળાની રાહત સાતથી ૧૬મી એપ્રિલ દરમિયાન પૂરા થઈ રહ્યા છે તે સ્ટે ૩૦મી એપ્રિલ સુધી લંબાવવામાં આવે છે.

દરમ્યાન જારી થયેલ પરિપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના પાંચ મહાનગરો રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા તથા જામનગરની તમામ અદાલતે તા. ૧૭ એપ્રિલ સુધી માત્ર ઓનલાઈન કાર્યવાહી જ ચાલશે.

આ પાંચ મહાનગરો સિવાય રાજ્યના અન્ય તમામ ડિસ્ટ્રીકટની અદાલતો માત્ર ૫૦ ટકા સ્ટાફને કાર્યરત રાખી બે કલાક સવારે તથા બે કલાક બપોર બાદ કોર્ટ કાર્યવાહી ચલાવશે તેવો હાઈકોર્ટનો નિર્દેશ કર્યો છે.

૧૫ એપ્રિલે ફરી સમીક્ષા બેઠક કરી આગળનો નિર્ણય લેવામાં આવશે તેમ જણાવાયુ છે.. છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં ભયંકર ઉછાળો આવ્યો હતો અને ખાસ કરીને કોર્ટોમાં ન્યાયાધીશો, સ્ટાફ કર્મચારીઓ તેમજ વકીલો રાજ્યમાં ઠેર ઠેર કોરોનાથી સંક્રમિત થયા હોયત આ નિર્ણય લેવાયાનું જાણવા મળે છે.

ગયા વર્ષે કોર્ટોની કામગીરી માત્ર અરજન્ટ કેસો માટે જ ચાલતી હતી. સને ૨૦૨૧ના વર્ષમાં પણ પરિસ્થિતિ કાબુમાં આવેલ ન હોય અને દિન-પ્રતિદિન કોરોનાનુ સંક્રમણ વધી રહેલ હોય ગુજરાત હાઈકોર્ટમાં રજીસ્ટર જનરલે ગઈકાલ તા. ૬ એપ્રિલે એક સરકયુલર જાહેર કરીને કોર્ટોમાં માત્ર મર્યાદીત કેસોની જ અને એ પણ અરજન્સીવાળા કેસોની જ ઓનલાઈન સુનાવણી થશે.

આજે તા. ૭મી આ સરકયુલરની અમલવારી કરવાની રહેશે અને આગામી તા. ૩૦ એપ્રિલ સુધી આ સરકયુલરનો અમલ ચાલુ રખાશે.

(10:58 am IST)