Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

યુવાનો કોરોનાની ઝપેટમાં વધુ આવી રહ્યા છે

નવી લહેરમાં ૩૫થી નીચેના લોકો પર ગંભીર અસર

યુવાન દર્દીઓને પણ શ્વાસમાં તકલીફ સહિતની ગંભીર સમસ્યા, રિકવરીમાં પણ લાંબો સમય લાગી રહ્યો છે

અમદાવાદ, તા. ૭: કોરોનાની નવી લહેરે રાજયભરમાં હાહાકાર મચાવ્યો છે. આ નવી લહેરનું સૌથી ગંભીર પરિબળ એ છે કે ૩૫ વર્ષની નીચેની વયના દર્દીઓ પર પણ આ વાયરસ ગંભીર અસરો કરી રહ્યો છે અને તેમની રિકવરી પણ દ્યણો લાંબો સમય લાગી રહ્યો છે.

 ગત વર્ષના એપ્રિલમાં તેમજ દિવાળી સમયે આવેલી કોરોનાની લહેરમાં એવી પરિસ્થિતિ હતી કે કોમોર્બિડ વ્યકિતઓ તેમજ સિનિયર સિટિઝનો પર કોરોના વાયરસ ગંભીર અસરો કરતો હતો. આ ઉપરાંત વધુ ઉંમરના વ્યકિતઓ જ કોરોના સંક્રમિત થતા હતા. ૫૦ વર્ષની નીચેની વયના વ્યકિતઓ અને ખાસ કરીને યુવાનો કોરોના સંક્રમિત થાય તો પણ તેમને સામાન્ય તાવ થયો હોય તેવી અસરો રહેતી હતી અને ચાર-પાંચ દિવસમાં તેઓ સાજા થઇ જતાં હતા.

માર્ચ-૨૦૨૧માં શરૂ થયેલી કોરોનાની નવી લહેરમાં યુવા વયના દર્દીઓ કોરોનાની ઝપેટમાં વધુ આવી રહ્યા છે. આ ઉપરાંત યુવા દર્દીઓની રિકવરીમાં પણ વધુ સમય લાગી રહ્યો છે. અગાઉ ના સમયે ઉંમરલાયક દર્દીઓને જ કોરોનાના કારણે શ્વાસની તકલીફ, ચક્કર આવવા તેમજ બ્લડપ્રેશરની તકલીફ થતી હતી. હવે નવી લહેરમાં યુવાન દર્દીઓને પણ આવી સમસ્યાઓ નડી રહી છે. નિષ્ણાતોનો મત છે કે વાયરસનો નવો સ્ટ્રેઇન ઝડપથી રેપ્લિકેટ થાય છે એટલે કે ઝડપથી ફેલાય છે અને વધુ ક્ષમતાથી રોગપ્રતિકારક ક્ષમતા પર હુમલો કરે છે.

(10:20 am IST)