Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

હાય હાય... રસીના બે ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝીટીવ : ડોકટરો ચિંતામાં

કોરોનાનો નવો સ્ટ્રેન કે પછી કોરોનાના જનીનમાં બદલાવ... : કોરોના વાયરસમાં એસ જનિનની ગેરહાજરી : બીજે મેડિકલ કોલેજે જીનોમ એનાલિસિસ માટે પૂણે સેમ્પલ મોકલ્યા

અમદાવાદ,તા ૭:  કોરોનાથી રક્ષણ મેળવવા લોકો રસી લઇ રહ્યાં છે પણ હવે ચિંતાનો વિષય એ છેકે, કોરોનાની રસીના બે ડોઝ લીધાં પછી લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. તબીબોએ એવી દહેશત વ્યકત કરી છેકે, કાં તો કોરોનાના નવોે સ્ટ્રેન હોય અથવા તો કોરોનાની જનિનમાં બદલાવ થયો હોય. આ કારણોસર બીજે મેડિકલ કોલેજે પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિયુટ ઓફ વાયરોલોજીમાં સેમ્પલ મોકલ્યાં છે. આ સેમ્પલના જિનોમ એનાલિસિસ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

ગુજરાતમાં ફરી કોરોનાએ કહેર મચાવ્યો છે. કોરોનાના કેસોનો આંકડો ત્રણ હજારને પાર કરી ચૂકયો છે. કોરોનાના વધતાં કહેર વચ્ચે રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. અત્યારે એવા કિસ્સાં ધ્યાને આવ્યાં છેકે, કોરોનાની રસીના બે ડોઝ લીધા પછી લોકો કોરોનાનો શિકાર બની રહ્યાં છે.

બીજે મેડિકલ કોલેજેના ડીન ડો.પ્રણવ શાહે જણાવ્યું કે, બે ડોકટરો ઉપરાંત અન્ય એક વ્યકિતએ રસીના બંને ડોઝ લીધા પછી તેઓ કોરોનાના સંક્રમણમાં સપડાયા હતાં. કુલ મળીને ચાર સેમ્પલ પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીમાં મોકલાયાં છે.  દિવાળી પછી કેટલાંક દર્દીઓના સેમ્પલની તપાસ કરતાં એવુ જાણવા મળ્યુ કે, કોરોનાના વાયરસમાં ત્રણ જનિન પૈકી એસ નામના જનિનની ગેરહાજરી જોવા મળી છે.

આ દર્દીઓ કોરોના પોઝિટીવ હતાં. આ દર્દીઓના સેમ્પલ પણ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીમાં મોકલી અપાયાં છે.  કોરોનાનો નવો સ્ટ્રેન છે કે, કોરોનાના જનિનની સિકવન્સમાં બદલાવ થયો છે કે કેમ તે અંગે અત્યારે કહી શકાય તેમ નથી. જિનોમ એનાલિસિસના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

બોપલમાં રહેતાં દેવલ મોદી અને તેમના પત્નિ દિપાલી મોદી કે જેમણે તા.૬ ડિસેમ્બરે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીના ટ્રાયલ વખતે રસી લીધી હતી. રસીના બંને ડોઝ લીધાં હતાં અને ત્રણ મહિના સુધી નિયમિત ચેકઅપ કરાયુ હતુ તેમ છતાંય ચાર મહિનાના અંતે બંનેને કોરોના પોઝિટીવ થયો હતો.

આ ઘટનાની જાણ થતાં સોલા સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમે સેમ્પલ લઇને પૂણે મોકલ્યાં છે. પાલડીના રહીશ ૪૧ વર્ષિય પ્રશાંત સાગર જોશીએ પણ રસીના બંને ડોઝ લીધા બાદ તેઓ પણ અત્યારે કોરોનાનો શિકાર બન્યાં છે.  આમ, કોરોનાની રસી લીધા બાદ પણ વ્યકિતને કોરોના થતાં તબીબોએ ચિંતા વ્યકત કરી છે.

કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે ખાનગી લેબોરેટરીઓમાં કોરોનાના ટેસ્ટ માટે બેથી ત્રણ દિવસનું વેઇટીંગ ચાલી રહ્યુ છે.ખાનગી લેબોરેટરીમાં ય દર્દીઓની સરખામણીમાં વિમાનમાં મુસાફરી કરનારાંના ટેસ્ટના સેમ્પલ વધુ હોવાનુ જાણવા મળ્યુ છે.

એટલું જ નહીં,લેબમાં ટેસ્ટનું ભારણ વધતાં હવે હોમ કલેકશન પણ બંધ કરી દેવાયું છે. અત્યારે ખાનગી લેબમાં વેઇટીંગ હોવાથી દર્દીઓનું સમયસર નિદાન થઇ શકતુ  નથી જેના કારણે ડોકટરો સારવારમાં વિલંબ કરતાં હોવાની પણ ફરિયાદો ઉઠી છે.

(10:19 am IST)