Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પતિ ન્હાતો કે બ્રશ કરતો નથી, પિયરિયાઓએ કહ્યુ કે, જેવો છે એવો તારો છે : નર્સની ફરિયાદ

નર્સને લવ મેરેજ ભારે પડ્યા, યુવતીએ ૧૮૧ હેલ્પલાઇનની મદદ લીધી : મામાના ઘરે પણ નહીં રહેવા દબાણ કરતાં અંતે યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર મોકલી

અમદાવાદ,તા. ૭: મૂળ ખેડાની રહેવાસી નર્સ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના ત્રણ માસ બાદ યુવતીને ખબર પડી કે, પતિ અભણ છે સ્નાન અને બ્રશ પણ કરતો નથી તેમજ માનસિક સંતુલન ઓછુ છે. જેથી પોતે પતિને છોડીને પિયરમાં આવી હતી. પરંતુ માતાપિતાએ કહ્યુ કે, હવે એ જ તારૂ ઘર છે ત્યાં જ રહેવુ પડશે તેમ કહીને કાઢી મૂકી હતી. આથી મામાના ઘરે પણ નહીં રહેવા દબાણ કરતાં યુવતીએ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી.

૧૮૧ મહિલા હેલ્પલાઇને યુવતીનો ફોન આવ્યો હતો કે પોતે હાલ સેટેલાઇટ વિસ્તારમાં મામાના ઘરે છે અને પોતે પરણિત છે પરંતુ સાસરે જવુ નથી અને માતા- પિતા હવે રાખવા તૈયાર નથી. જેથી મદદની જરૂર છે. જેથી ૧૮૧ની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચીને યુવતીનું કાઉન્સેલીંગ કરતા પોતે મૂળ ખેડા જિલ્લાની રહેવાસી છે. તેની ઉંમર ૨૨ વર્ષની છે. પોતે નર્સ તરીકે નોકરી કરે છે. યુવતીને મહેસાણામાં રહેતા એક યુવક સાથે તેમને પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને અલગ જ્ઞાતિના હોવાથી લગ્ન કરવાની યુવતીના પરિવારે ના પાડી હતી.

જો કે, પરિવારની વિરૂદ્ઘ જઇને યુવકીએ પ્રેમ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ મહિના બાદ યુવતીને ખબર પડી કે, પતિ કઈ કમાતો નથી, અભણ છે અને માનસિક સંતુલન ઓછું છે. પોતે સ્નાન પણ કરતો નથી. પતિના વર્તનથી કંટાળીને યુવતીએ પિયર ખાતે પરત આવી હતી.

પરંતુ ત્યાં તેના માતાપિતાએ યુવતીને કહ્યુ કે, તે પ્રેમ કરવાની ભૂલ કરી છે અને હવે જેવો છે એવો તારો પતિ છે. જેથી તારે ત્યાં જ રહેવુ પડશે નહિ તો સમાજમાં અમારી ઈજ્જત શું રહેશે. જો કે યુવતીને પતિ પાસે સાસરે જવું ન હતું. જેથી સેટેલાઇટમાં રહેતા મામાના ઘરે જતી રહી હતી.

પરંતુ મામાના ત્યાં ન રહેવા માતા-પિતાએ દબાણ કરતાં છેવટે પોતે મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. યુવતીને હવે છૂટાછેડા લેવા હોવાથી ૧૮૧ ટીમે કાયદાકીય સલાહ આપીને સખી વન સ્ટોપ સેન્ટર પર મોકલી આપી હતી.

(10:19 am IST)