Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મતદાનના આંકડાથી નવા-જુનીના એંધાણઃ સુરતમાં ‘આપ'ની એન્‍ટ્રીની શક્‍યતાઃ ભાજપને ફાયદો તો સામે કોંગ્રેસને નુકશાનની અટકળો

સુરતઃ સુરત મહાનગર પાલિકાની 2015ની ચૂંટણી કરતા આ વખતે મતદાન જરૂરથી વધુ થયું છે, જોકે જે ગણતરી અને દાવો કરવામાં આવ્યા હતાં તેની સામે જરૂરથી ઓછું મતદાન થયું છે. જે રાજકીય પાર્ટીઓ માટે ચિંતાનો વિષય છે, કારણે 50% થી વધુ મતદારોએ મતદાન કર્યું નથી. જોકે જેટલું પણ મતદાન થયું છે, તેમાં એક વાત ચોક્કસ છે કે, ભાજપની સીટો વધશે, કોંગ્રેસની ઘટશે અને આપનું ખાતું ખુલશે. જોકે એતો સમય જ બતાવશે કે કંઈ પાર્ટીને કેટલી બેઠકો મળશે? પરંતુ નવાજૂની થશે એ તો પાક્કું જ છે.

સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે 1817064 પુરુષો, 1471095 મહિલાઓ મળી કુલ 3288159 મતદારો નોંધાયા છે, તેની સામે 900785 પુરુષ અને 649250 સ્ત્રી મતદારો મળી કુલ 1550035 મતદારોએ જ મતદાન કર્યું છે, આમ માત્ર 47.14 ટકા જ મતદાન થયું છે.

સુરતના ત્રીસ વોર્ડની જો વાત કરવામાં આવે આવે તો વોર્ડ નંબર 1. જંહાંગીરપુરા – વરિયાવ છાપરાભાઠા – કોસાડ 41.78 %, 2. અમરોલી – મોટાવરાછા – કઠોરમાં 46.69%, 3. વરાછા – સરથાણા – સીમાડા – લસકાણામાં 48.8%, 4. કાપોદ્રા 46.12%, 5. ફુલપાડા – અશ્વનીકુમારમાં 45.44%, 6. કતારગામમાં 43.4%, 7. કતારગામ – વેડમાં 52.03%, 8. ડભોલી – સિંગણપોરમાં 47.11%, 9. રાંદેર – જહાંગીરપુરા – પાલનપુરમાં 44.88%, 10. અડાજણ – પાલ – ઇચ્છાપોરમાં 48.11%,

11. અડાજણ – ગોરાટમાં 45.03%, 12. નાણાવટ – સૈયદપુરા – કુબેરનગર – મહિધરપુરામાં 41.26, 13. વાડીફળિયા – નવાપુરા – બેગમપુરા – સ’પુરામાં 43.05%, 14. ઉમરવાડા – માતાવાડીમાં 43.93%, 15. કરંજ – મગોબમાં 37.61%, 16. પુણા (પશ્ચિમ)માં 43.77%, 17. પુણા (પુર્વ)માં 48.84%, 18. લિંબાયત – પરવત – કુંભારીયામાં 49.97%, 19. આંજણા-ડુંભાલમાં 56.18%, 20. ખટોદરા – મજુરા – સગરામપુરામાં 37.87%

21. સોનીફળિયા – નાનપુરા – અઠવા – પીપલોદમાં 38.78%, 22. ભટાર – વેસુ – ડુમસમાં 34.99%, 23. બમરોલી – ઉધના (ઉત્તર)માં 45.71%, 24. ઉધના (દક્ષિણ)માં 47.52%, 25. લિંબાયત – ઉધનાયાર્ડમાં 43.11%, 26. ગોડાદરા – ડીંડોલી (ઉતર)માં 41.62%, 27. ડીંડોલી (દક્ષિણ)માં 45.15%, 28. પાંડેસાર – ભેસ્તાનમાં 46.74%, 29. અલથાણ – બમરોલી – વડોદમાં 41.43%, 30. કનસાડ-સચિન-ઉન-આભવામાં 45.19% મતદાન થયું છે.

ઓછા મતદાન માટે સીમાંકન જવાબદાર

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નવા સીમાંકન સાથે લડાઈ છે, જેમાં અનેક વિસ્તારોમાં ભારે ઉથલપાથલ થઇ છે. જેના કારણે મતદારોને ભારે મુશ્કેલી પડી હતી, અનેક મતદારોના વોર્ડ બદલાયા હતા, જેને કારણે તેમને પોતાના ઘરેથી ત્રણ થી ચાર કિલોમીટર દૂર વોટ આપવા જવાનો વારો આવ્યો હતો. ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પણ પોતાના ઘરેથી 3થી વધુ કિલોમીટર દૂર વોટ આપવા જવાનો વારો આવ્યો હતો, આમ અનેક લોકો દૂર મતદાન કેન્દ્ર હોવાનું જાણતા મત આપવા ગયા ન હતા. આવામાં ભાજપના એ કાર્યકરો અને નેતાઓની હાલત બગાડી હતી જેમને ભાજપને જીતાડવા માટે પેજ પ્રમુખ કમિટી બનાવી હતી,

કોણ જીતશે તેને લઈને ચર્ચા ?

સુરત શહેર 30 વોર્ડમાં વહેંચાયેલું છે, જેમાં કેટલાક વોર્ડમાં ભાજપનું પ્રભુત્વ છે, જ્યા કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની જીત શક્ય નથી, જેમાં વોર્ડ ન. 1 જહાંગીરપુરા – વરિયાવ – છાપરાભાઠા, વોર્ડ ન.9 રાંદેર -જહાંગીરપુરા-પાલનપોર, વોર્ડ ન.10 અડાજણ-પાલ -ઇચ્છાપોર, વોર્ડ ન.11 અડાજણ-ગોરાટમાં ભાજપની પેનલ આવી શકે છે.

જ્યારે પરપ્રાંતીયોની બહુમતીવાળા ઉધના, પાંડેસરા, ભેસ્તાન, ડિંડોલી, વડોદ, બમરોલી, લિંબાયત સહિતના વિસ્તારોમાં પણ ભાજપનું જોર દેખાયું છે, તો બીજી તરફ આંજણા, ડુંભાલ, સહિતના વિસ્તારોમાં કોંગ્રેસને બેઠક મળી શકે છે, ત્યાંજ શહેરના કોટ વિસ્તારમાં વોર્ડ ન.21 સોનીફળીયા – નાનપુરા – અથવા – પીપલોદ, વોર્ડ. 12 નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા વગેરેમાં ગત વખતની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન થશે, જેમાં ભાજપ અને કોંગ્રેસને સીધું કોઈ નુકસાન કે ફાયદો થશે નહીં.

પાટીદારોના ગઢમાં ભાજપ અને આપની લડાઈ

ચૂંટણી પહેલા કોંગ્રેસ અને પાસ વચ્ચે ટિકિટને લઈને માથાકૂટ થઇ હતી, જેને પગલે પાટીદાર મતદારોમાં ખુબ દ્વિધા હતી, ભાજપને મત નહીં આપવાનો માહોલ સર્જાયા બાદ કોંગ્રેસ ઉપર પણ પૂર્ણવિરામ મુકવામાં આવ્યું હતું, ત્યારે આપને વોટ આપવા માટે અંદરખાને માહોલ બનાવવામાં આવ્યો હતો. ‘આપ’ સિનિયર અને જુનિયર નેતાઓ અને કાર્યકરોએ આ વિસ્તારમાં ખુબ મહેનત કરી હતી, વોર્ડ ન.2 અમરોલી -મોટાવરાછા -કઠોર, વોર્ડ ન.3 વરાછા -સરથાણા -સીમાડા -લસકાણા, વોર્ડ ન.4 કાપોદ્રામાં 46.12 ટકા, વોર્ડ 15.કરંજ -મગોબ તથા પુણા પશ્ચિમ અને પૂર્વમાં પાટીદારો ભાજપ અને કોંગ્રેસને છોડી આપ તરફ વળ્યાં હોવાની ચર્ચા છે.

(5:55 pm IST)