Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મતદારો મતદાનથી અળગા રહી તમામ પક્ષોને કચકચાવી જવાબ આપ્યો

મોંઘવારી, માસ્ક, ઈ-મેમો સહિતના કારણોથી પરેશાન જનતાએ મતદાન ન કર્યુ : છ મહાનગરમાં ૨૦૧૫ની સરખામણીએ સરેરાશ ૯ ટકા ઓછા મતદાને રાજકીય પક્ષો- નેતાઓની પોલ ખોલી નાંખી

અમદવાદઃ મહાનગરોમાં સરેરાશ ઓછું મતદાન કરીને નાગરિકોએ પોતાના મિજાજનો પરચો આપતા નેતાઓ હતપ્રભ થઈ ગયા છે. પેટ્રોલ- ડીઝલ, ગેસ સિલિન્ડરના બેફામ ભાવ, મોંઘવારી, માસ્કનો  ભારે દંડ, કોઈપણ પક્ષના કોર્પોરેટર હોય પણ ચૂંટાયા પછીની નિષ્ક્રિયતા, ચૂંટાઈને મોટાભાગના પ્રતિનિધિઓનો વણથંધ્યો ભ્રષ્ટાચાર, નબળા ઉમેદવારોની પસંદગી અને થોડાસ ગણા અંશે કોરોનાનો ડર જોવા કારણોથી મતદારે જાણે દૂર રહીને આડકતરી રીતે નેાઓને સબક શિખવાડયો હતો. જેના કારણે હવે પરિણામ કેવા આવશે તેની ચિંતામાં ઉમેદવારોને મૂકી દીધા છે.

અમદાવાદ સહિત છ મહાનગરમાં ૨૦૧૫ની સરખામણીમાં સરેરાશ ૯ ટકા જેટલા ઓછા મતદાને અનેક પ્રકારે રાજકીય પક્ષો- નેતાઓની પોલ ખોલી નાખી છે. કોરોના- લોકડાઉન અને તેના કારણે મંદ ધંધા- બેરોજગારીની સ્થિતિથી ત્રસ્ત નાગરીકો માટે આ વખતે મોંઘવારી, ઈંધણના સતત વધતા ભાવ, પોલીસ સહિત સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર વિગેરે મહત્વના મુદ્દા હતા. તો માસ્કનો એક હજાર રૂપિયાનો જંગી દંડ અને ચૂંટાયા બાદ મોટાભાગના પ્રિતિનિધિઓની ટેન્ડર- કોન્ટ્રાકટરમાં ભાગીદારો- નિષ્ક્રિયતા વિગેરેને પણ મતદારોએ મતદાનથી નિષ્ક્રિય રહીને કચકચાવીને જાણે જવાબ આપ્યો હતો.

અમદાવાદમાં મતદારો રવિવારની રજા હોવા છતાં બહાર નિકળ્યા ન અને ૬૨ ટકા જેટલા મતદારોએ મત નહીં આપીને આડકતરી રીતે નેતાઓ અને તેમની પદ્ધતિઓ સામે પણ સવાલ ઊભો કર્યો હતો. ચૂંટણી પહેલા પણ ટિકિટ માટે ઉમેદવારોના ધમપછાડા- બદનક્ષી ભર્યા નિવેદનોએ આ ચૂંટણીઓમાં મોટાભાગના પ્રતિનિધિઓનું સ્તર કેવું હશે તેનો પરચો આપી દેતા મતદારો પહેલેથી નારાજ હતા.

ચૂંટાયા પછી પાંચ વર્ષ ખોવાઈ જતા ઉમેદવારોને એક દિવસ માટે સબક શિખવાડતા હોય તેમ મતદારો ઘરમાં જ બેસી રહ્યા હતા અને ઉમેદવારો- કાર્યકરો તેમને બહાર કાઢવા દોડતા રહ્યા હતા. કાર્યકરોને ઉચ્ચ નેતાઓ તરફથી વારંવાર સૂચનાઓ અને અઢળક પ્રયાસો બાદ પણ મતદારોએ જાણે મતદાનથી મ્હોં ફેરવી લીધું હોય તેવી સ્થિતિ રહી હતી. કોરોનાનો માહોલ છતાં નેતાઓએ કોઈ નિયમ પાળ્યા નહીં હોવાનું અવારનવાર સાબિત થયું હતું  તેને પણ બરાબર યાદ રાખ્યું હોય તેમ મતદારોએ કોરોના કાળમાં મતદાન મથકથી જ દૂર રહેવાના સોશિયલ ડિસ્ટન્સનું જાણે પાલન કર્યું હતું. જેના કારણે મતદાન મથક ઉપર દિવસભર લગભગ કાગડા ઉડયા હતા. કેટલાક વોર્ડમાં કાર્યકરો પણ ફરકયા ન હતા.મતદારોના આવા વલણના કારણે દરેક ઉમેદવારો તેમના વોર્ડના મતદાન મથક દીઠ આંકડા લઈને બેઠા હતા અને પોતાના તરફે મતદાન થયું હશે કે નહીં તેનો અંદાજ ન આવતા મોટાભાગના ઉમેદવારોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

(2:46 pm IST)
  • ઉભા પાક ઉપર ટ્રેકટર ફેરવી દીધા : રાકેશ ટિકૈતની હાકલની યુપીમાં સીધી અસર કૃષિ પ્રશ્નો ખેડૂત માટે ડેથ વોરંટઃ કેજરીવાલ access_time 1:11 pm IST

  • એરપોર્ટ ઉપર અંધાધુંધી : અમદાવાદ એરપોર્ટ ઉપર ભારે ધમાલઃ સોશ્યલ ડીસ્ટન્સની પરવાહ કોઈએ રાખી નહિઃ અદાણી મેનેજમેન્ટ સામે નારાજગીઃ લોકો ૫ કલાક સુધી ફસાયેલા રહ્યા access_time 4:32 pm IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,979 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,05,071 થઇ :એક્ટિવ કેસ 1,47,100 થયા: વધુ 9476 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,06,97,014 થયા :વધુ 79 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,418 થયા access_time 12:09 am IST