Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

મહેસાણાના બહુચરાજી APMCની ચૂંટણીમાં વેપારી પેનલના વિઠ્ઠલ પટેલની પેનલ વિજેતા જાહેર

ફરી એક વાર ભૂતપૂર્વ ગૃહમંત્રી રજની પટેલને પછડાટ આપી વિઠ્ઠલ પટેલે તેમનો દબદબો જાળવી રાખ્‍યો.

મહેસાણાઃ મહેસાણાના બહુચરાજી APMC ની ચૂટણીમાં વેપારી પેનલના પરિણામમાં વિઠ્ઠલ પટેલની પેનલ વિજેતા જાહેર થયેલ છે.

એપીએમસીમાં વેપારી વિભાગની ચાર બેઠકો અને સહકારી ખરીદી-વેચાણ સંઘની એક બેઠકના જાહેર થયેલા પરિણામમાં વેપારી વિભાગની ચાર બેઠકમાં વિઠ્ઠલ પટેલ જૂથના ત્રણ ઉમેદવારોને 18 અને એકને 18 મત મળ્યા છે.

તેની સામે રજનીપટેલ જૂથના ત્રણ ઉમેદવારમાં એકને નવ અને એકને દસ મત મળ્યા છે. આ જ રીતે સહકારી ખરીદ-વેચાણ સંઘની બેઠક માટે વિઠ્ઠલભાઈ પટેલ જૂથને 8 અને રજનીભાઈ પટેલ જૂથને બે મત મળ્યા છે. જ્યારે ખેડૂત બેઠકોનું પરિણામ હાઇકોર્ટના ચુકાદા બાદ જાહેર થશે. આ ચૂંટણીનું પરિણામ ત્રીજી ઓક્ટોબરના રોજ જાહેર થશે.

બહુચરાજી એપીએમસીના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત યોજાયેલી ચૂંટણીની ખાસિયત તે હતી કે તેમા વર્તમાન ચેરમેન વિઠ્ઠલભાઈ પટેલની સામે ભૂતપૂર્વ ગૃહપ્રધાન રજની પટેલ ઉતર્યા હતા. બંને ભાજપના જ છે. પણ ચૂંટણી જીતવા માટે સામદામ દંડભેદ બધી નીતિ અપનાવાઈ હતી.

વિઠ્ઠલ પટેલ માટે તેમનું વર્તમાન શાસન જાળવી રાખવુ મોટો પડકાર હતો, કેમકે તેમની સામે ભૂતપૂર્વ ગૃહપ્રધાન હતા. જ્યારે ભૂતપૂર્વ ગૃહપ્રધાન માટે આ પ્રતિષ્ઠાનો વિષય હતો. પણ હાલના સમયમાં વેપારી અને સહકારી પરિણામ પરથી તો લાગી જ રહ્યુ છે કે વિઠ્ઠલ પટેલ તેમનો દબદબો જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

આ ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 313 મતદાર અને વેપાર વિભાગમાં 59 મતદાન મતદાન કર્યુ હતુ. સવારના નવથી સાંજે પાંચ કલાક સુધી મતદાન થયું હતું.

કોઈપણ સ્થળે ચૂંટણી યોજાય અને વિવાદ ન થાય તેવું તો ભાગ્યે જ બને. ઊંઝા માર્કેટિંગ યાર્ડના વિવાદ પછી બહુચરાજી માર્કેટ યાર્ડ પણ આ ચૂંટણીને લઇને વિવાદમાં સપડાયું હતું.

કનોડા ગામની મંડળીના મતદારને લઈને વિવાદ થયો હતો, તેમા ચમન પરમાર નામના મતદાતા ગુમ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમના અપહરણની અરજી પણ પોલીસમથકે આપવામાં આવી હતી. પોલીસે તેના સંદર્ભમાં વર્તમાન ચેરમેન વિઠ્ઠલ પટેલ જૂથના બે વ્યક્તિઓની અટકાયત પણ કરી છે.

તેની સામે ચમન પરમાર મોઢેરા પોલીસ સ્ટેશનમાં જાતે હાજર થયા છે અને પોતાનું અપહરણ થયું ન હોવાનું નિવેદન કર્યુ હતુ. પણ પોલીસ અટકાયત કરેલા બે લોકોને છોડવા તૈયાર ન હોવાથી વિઠ્ઠલ પટેલ જૂથના ટેકેદારોએ પોલીસમથકે હોબાળો મચાવ્યો હતો. તેઓએ આ હોબાળા દરમિયાન ભૂતપૂર્વ ગૃહપ્રધાન રજની પટેલ પર સરકારી તંત્રનો દૂરુપયોગ કરવાના આરોપ લગાવ્યા હતા.

(9:56 pm IST)